Indian Cricket Team New Coaching Staff: ભારતીય ક્રિકેટ ટીમ હવે તેના આગામી મિશન માટે સંપૂર્ણ રીતે તૈયાર હોય તેવું લાગે છે. આ મિશન શ્રીલંકાનો પ્રવાસ છે, જ્યાં ભારતીય ટીમે 3 મેચની ટી-20 અને 3 મેચની વન-ડે સીરિઝ રમવાની છે. નવા મુખ્ય કોચ ગૌતમ ગંભીરનો આ પ્રથમ પ્રવાસ હશે.






આજે ગૌતમ ગંભીર મુખ્ય કોચ બન્યા બાદ પ્રથમવાર પ્રેસ કોન્ફરન્સ સંબોધશે. દરમિયાન ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના ચીફ સિલેક્ટર અજીત અગરકર પણ તેમની સાથે હશે. આ પ્રેસ કોન્ફરન્સ મુંબઇની ગ્રાન્ડ હયાત બીકેસીમાં યોજાશે.


ગંભીરનો કોચિંગ સ્ટાફ આવો હોઈ શકે છે


BCCI આ બેઠક દરમિયાન નવા કોચિંગ સ્ટાફની જાહેરાત પણ કરી શકે છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો ભૂતપૂર્વ ભારતીય ઓલરાઉન્ડર અભિષેક નાયર અને નેધરલેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર રેયાન ટેન ડોશેટને સહાયક કોચ બનાવવામાં આવી શકે છે. આ બંને પ્રબળ દાવેદાર છે. 


જ્યારે ટી દિલીપ હાલમાં ફિલ્ડિંગ કોચ છે અને તેમને આ પદ પર જાળવી રાખવામાં આવી શકે છે. આ સિવાય દક્ષિણ આફ્રિકાના પૂર્વ બોલર મોર્ને મોર્કેલ બોલિંગ કોચ તરીકે પ્રબળ દાવેદાર છે. તે શ્રીલંકા પ્રવાસ બાદ આ પદ સંભાળી શકે છે. જ્યારે સાઈરાજ બહુતુલેને શ્રીલંકા પ્રવાસ માટે બોલિંગ કોચ તરીકે મોકલવામાં આવશે. સાઈરાજ હાલમાં નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)ના સભ્ય છે.


શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટીમ


ભારતની T20 ટીમઃ સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, રિંકુ સિંહ, રિયાન પરાગ, ઋષભ પંત (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઇ, અર્શદીપ સિંહ, ખલીલ અહેમદ અને મોહમ્મદ સિરાજ.


ભારતની વન-ડે ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, કેએલ રાહુલ (વિકેટકીપર), ઋષભ પંત (વિકેટકીપર), શ્રેયસ અય્યર, શિવમ દુબે, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ , રિયાન પરાગ, અક્ષર પટેલ, ખલીલ અહેમદ અને હર્ષિત રાણા.