બ્રેસનને યાર્કશાર ક્રિકેટ કવર્સ ઓફ પોડકાસ્ટ પર ખુલાસો કર્યો છે કે 2011માં ટેસ્ટ મેચમાં સચિન તેંડુલકરને એલબીડબલ્યૂ આઉટ કર્યા બાદ તેને અને અમ્પાયર રોડ ટકરને મારી નાખવાની ધમકી મળી હતી. તમારી જાણકારી માટે જણાવીએ કે આ ટેસ્ટમાં સચિન ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 100 સેન્ચુરી પૂરી કરી શક્યા હોત પરંતુ 91 રન પર બ્રેસનને તેને એલબીડબલ્યૂ આઉટ કર્યો હતો. જોકે આ નિર્ણયની ટીકા થઈ હતી કારણ કે ટીવી રીપ્લેમાં સ્પષ્ટ દેખાતું હતું કે બોલ લેગ સ્ટમ્પના ભાગને અડીને નીકળી જતી હતી.
બ્રેસનને કહ્યું, એ ટેસ્ટ સીરીઝમાં રિવ્યૂ ન હતું, કારણ કે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ ત્યારે તેની વિરૂદ્ધ હતું. ઇંગ્લેન્ડ માટે 23 ટેસ્ટ, 85 વનડે અને 34 ટી20 ઇન્ટરનેશનલ મેચ રમનાર બ્રેસનને જણાવ્યું કે, ત્યાર બાદ તેને અને અમ્પાયર રોડ ટકરને મારી નાખવાની ધમકી મળવા લાગી હતી.
તેણે કહ્યું, “ત્યાર બાદ અમે બન્નેને મારી નાખવાની ધમકી મળવા લાગી હતી. આ ઘણાં દિવસો સુધી ચાલ્યું હતું. અમ્પાયર ટકરના ઘરે લોકો ધમકીભર્યા પત્ર મોકલી રહ્યા હતા અને તેને સવાલ કરી રહ્યા હતા કે તેણે સચિનને આઉટ કેમ કર્યો. થોડા મહિના બાદ જ્યારે હું તેને મળ્યો ત્યારે મને કહેવામાં આવ્યું કે સુરક્ષા ગાર્ડ બોલાવવા પડ્યા હતા. ત્યાં સુધી કે તેને ઓસ્ટ્રેલિયામાં પોલીસ સુરક્ષા પણ લેવી પડી હતી.