ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં પાકિસ્તાનને હરાવીને ટીમ ઈન્ડિયાએ સતત બીજી જીત મેળવી હતી. 23 ફેબ્રુઆરી 2025ના રોજ રમાયેલી મેચમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાન ટીમને 6 વિકેટથી હરાવ્યું હતું. આ દરમિયાન, સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી અને અન્ય ખેલાડીઓ ડાન્સ કરતા જોઈ શકાય છે. હવે કેટલાક યુઝર્સ આ વીડિયોને શેર કરીને કહી રહ્યા છે કે તે તાજેતરનો છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાનને હરાવ્યા બાદ બધા ખેલાડીઓએ ડાન્સ કરીને ઉજવણી કરી હતી.

જ્યારે વિશ્વાસ ન્યૂઝે વાયરલ દાવાની તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે આ વીડિયો 2024માં યોજાયેલા T20 વર્લ્ડ કપનો છે, જ્યારે ટીમ ઈન્ડિયાએ ટી-20 વર્લ્ડ કપ જીત બાદ ઉજવણી કરી હતી અને વાનખેડે સ્ટેડિયમમાં ડાન્સ કર્યો હતો. હવે કેટલાક લોકો આ જ વીડિયોને ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો હોવાનો દાવો કરીને શેર કરી રહ્યા છે.

શું વાયરલ થઈ રહ્યું છે?

ફેસબુક યુઝર ‘Pratosh K Karn’ એ 23 ફેબ્રુઆરી, 2025 ના રોજ વાયરલ વીડિયો શેર કર્યો અને કેપ્શનમાં લખ્યું, “ઐતિહાસિક વિજય!

ચેમ્પિયન્સ ટ્રોફી-2025ના ગ્રુપ લીગ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમે શાનદાર પ્રદર્શન કરીને પાકિસ્તાનને કારમી હાર આપી છે. ટીમ ઈન્ડિયાના આ શાનદાર પ્રદર્શન પર બધા ખેલાડીઓએ સાથે ડાન્સ કર્યો અને આ માત્ર એક મેચ નથી પણ ભારતીય ક્રિકેટની શ્રેષ્ઠતાનો પુરાવો છે! અને વિરાટ તો વિરાટ છે, જય હિન્દ! જય ભારત!”

પોસ્ટની આર્કાઇવ લિંક અહીં જુઓ.

સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સે આ જ દાવા સાથે આ વીડિયો શેર કર્યો છે.

 

તપાસ

વાયરલ પોસ્ટનું સત્ય જાણવા માટે અમે વીડિયોમાંથી ઘણી કીફ્રેમ કાઢી અને ગૂગલ લેન્સની મદદથી સર્ચ કર્યું હતું. અમને BCCI ના સત્તાવાર x હેન્ડલ પર આ વિડિયો મળ્યો હતો. આ વીડિયો 5 જૂલાઈ, 2024ના રોજ શેર કરવામાં આવ્યો હતો. આપેલી માહિતી અનુસાર, આ વીડિયો વાનખેડે સ્ટેડિયમનો છે અને T20 વર્લ્ડ કપનો છે.

સર્ચ દરમિયાન વાયરલ વીડિયો સંબંધિત સમાચાર ANI ની વેબસાઇટ પર મળી આવ્યા હતા. આ રિપોર્ટને 5,જૂલાઇ 2024ના રોજ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. રિપોર્ટ અનુસાર, ટી-20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાને હરાવીને T20 વર્લ્ડ કપનું ટાઇટલ જીત્યું હતું. આ જીતની ઉજવણી વાનખેડે સ્ટેડિયમમાં કરવામાં આવી હતી. જ્યાં ટીમે શાનદાર ડાન્સ કર્યો હતો.

વાયરલ વીડિયો સંબંધિત અન્ય સમાચાર અહીં વાંચી શકાય છે, જેને 2024 T20 વર્લ્ડ કપનો હોવાનું કહેવાય છે. વધુ માહિતી માટે અમે દૈનિક જાગરણના સ્પોર્ટ્સ એડિટર અભિષેક ત્રિપાઠીનો સંપર્ક કર્યો હતો. તેમણે અમને કહ્યું કે વાયરલ વીડિયો T20 વર્લ્ડ કપનો છે.

ભારતીય ટીમે ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં વધુ એક જીત નોંધાવી છે. 23 ફેબ્રુઆરી 2025ના રોજ પાકિસ્તાન સામેની મેચમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું હતું. પાકિસ્તાન ટીમે ભારતીય ટીમને 242 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, જેને ટીમ ઈન્ડિયાએ 42.3 ઓવરમાં હાંસલ કરીને મેચ જીતી લીધી હતી.

અંતે અમે વીડિયો શેર કરનાર યુઝર્સનું એકાઉન્ટ સ્કેન કર્યું. અમને જાણવા મળ્યું કે યુઝરને 4,000 લોકો ફોલો કરે છે. યુઝરે પોતાને દરભંગાનો રહેવાસી ગણાવ્યો છે.

નિષ્કર્ષ

વિશ્વાસ ન્યૂઝે તપાસ કરી અને જાણવા મળ્યું કે ટીમ ઈન્ડિયાના ડાન્સનો વાયરલ વીડિયો તાજેતરનો નથી પરંતુ 2024 ના T20 વર્લ્ડ કપનો છે. જ્યારે ભારતીય ટીમે ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. આ વિજયની ઉજવણી મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં કરવામાં આવી હતી. કેટલાક યુઝર્સ આ જ વીડિયોને શેર કરીને દાવો કરી રહ્યા છે કે તે તાજેતરની ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો છે. આ વીડિયોનો વર્તમાન પરિસ્થિતિ સાથે કોઈ સંબંધ નથી.

(Disclaimer: આ સમાચારનું ફેક્ટ ચેક vishvasnewsએ કર્યુ છે, એબીપી અસ્મિતાએ શક્તિ કલેક્ટિવની સાથે ભાગીદારી અંતર્ગત આ ફેક્ટ ચેકમાં કોઇપણ ફેરફાર વિના પુનઃપ્રકાશિત કર્યુ છે)