ક્રોએશિયાની ટીમે કતાર દ્વારા આયોજિત ફિફા વર્લ્ડકપ 2022માં મોરક્કોને હરાવીને ત્રીજું સ્થાન મેળવ્યું હતું. ત્રીજા નંબર માટે રમાયેલી મેચમાં ક્રોએશિયાએ મોરોક્કન ટીમને 2-1થી હરાવ્યું હતું. ક્રોએશિયા ગયા વર્લ્ડ કપમાં રનર અપ હતું. આ વખતે તેને સેમીફાઇનલમાં લિયોનેલ મેસ્સીની આર્જેન્ટિના ટીમે 3-0થી હાર આપી હતી.
બીજી તરફ મોરોક્કન ટીમ સેમીફાઇનલમાં પહોંચનારી પ્રથમ આફ્રિકન ટીમ છે. સેમીફાઇનલમાં તેને ફ્રાન્સે હરાવી હતી. હવે ત્રીજી મેચમાં પણ તેને ક્રોએશિયાના હાથે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ રીતે મોરક્કોની ટીમે ચોથા નંબર પર રહીને પોતાની સફર પૂરી કરી છે.
ભલે ક્રોએશિયા અને મોરોક્કોની ટીમો ફાઇનલમાં જગ્યા બનાવી શકી ન હોય પરંતુ સેમિફાઇનલમાં પહોંચવા માટે તેમને કરોડો રૂપિયા ઈનામી રકમ તરીકે મળશે. આ મેચની વિજેતા ટીમ, ક્રોએશિયાને ત્રીજા નંબર પર રહેવા માટે લગભગ 223 કરોડ રૂપિયા ઇનામ તરીકે મળશે. બીજી તરફ, હારનાર મોરોક્કન ટીમ ચોથા નંબર પર રહી છે, તો તેને લગભગ 206 કરોડ રૂપિયા આપવામાં આવશે.
આ સિવાય ફિફા વર્લ્ડ કપની ફાઈનલ મેચની વિજેતા ટીમને 347 કરોડ રૂપિયા અને ઉપવિજેતા ટીમને 248 કરોડ રૂપિયા આપવામાં આવશે. નોંધપાત્ર વાત એ છે કે, ફિફા વર્લ્ડકપની ફાઇનલ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાન્સ અને આર્જેન્ટિના વચ્ચે રમાવાની છે. આ મેચ રવિવારે (18 ડિસેમ્બર) રમાશે.69મી મિનિટમાં ફાઉલ થવાને કારણે મોરોક્કન ટીમના ખેલાડી અઝેદિન ઓનાહીને યલો કાર્ડ બતાવવામાં આવ્યું હતું. આના બે મિનિટ પહેલા મોરોક્કન ટીમનો યામિક ઈજાગ્રસ્ત થઈને બહાર ગયો હતો.
પ્રથમ હાફમાં ક્રોએશિયાનો દબદબો રહ્યો હતો
મેચના પહેલા હાફમાં ગત વર્ષની રનર અપ ક્રોએશિયાએ પોતાની આક્રમક રમત બતાવીને પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું હતું. ક્રોએશિયાની ટીમે મેચના પ્રથમ હાફમાં બે ગોલ કરીને 2-1ની સરસાઈ મેળવી હતી. બંને ગોલ જોસ્કો ગાર્ડિઓલ અને મિસ્લાવ ઓસેકે કર્યા હતા. પ્રથમ હાફમાં ક્રોએશિયાએ ગોલના 8 પ્રયાસો કર્યા હતા, જેમાં લક્ષ્ય પર 4 શોટ હતા. આમાં બે ગોલ હતા.
સેમીફાઇનલમાં મોરોક્કો અને ક્રોએશિયાનો પરાજય થયો હતો
ગયા વર્ષના ઉપવિજેતા ક્રોએશિયા અને મોરોક્કોની ટીમે આ ફિફા વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. બંને ટીમોએ સેમીફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. પરંતુ કમનસીબે તેઓ તેમની મેચ હારી ગયા હતા અને ટાઈટલ જીતવાનું સપનું પણ ચકનાચૂર થઈ ગયું હતું. ફિફા રેન્કિંગમાં ક્રોએશિયાની ટીમ 12મા ક્રમે અને મોરોક્કો 22મા ક્રમે છે.