નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચમી ટેસ્ટ મેચ આજથી બર્મિંગહામના એજબેસ્ટન ખાતે રમાશે. વાસ્તવમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ગત વર્ષે 5 મેચની ટેસ્ટ સીરિઝ રમાઈ હતી. ત્યારબાદ કોરોનાના કેસમાં વધારો થતા પાંચમી ટેસ્ટ યોજાઇ શકી નહોતી. હાલમાં આ સીરિઝમાં ટીમ ઇન્ડિયા 2-1થી આગળ છે.







એજબેસ્ટનમાં ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ ખૂબ ખરાબ રહ્યો છે. આ સ્ટેડિયમમાં ભારતીય ટીમનો ટેસ્ટ રેકોર્ડ અત્યાર સુધીનો સૌથી ખરાબ રહ્યો છે. આ સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધી 7 ટેસ્ટ મેચ રમી છે, જેમાંથી તે એક પણ જીતી શકી નથી.


ટીમ ઈન્ડિયાએ 1967માં એજબેસ્ટન ખાતે પ્રથમ ટેસ્ટ રમી હતી


ભારતીય ટીમ જુલાઈ 1967માં એજબેસ્ટન ખાતે તેની પ્રથમ ટેસ્ટ મેચ રમી હતી, જેમાં 132 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારથી 55 વર્ષમાં ટીમ ઈન્ડિયા આ મેદાન પર એક પણ ટેસ્ટ મેચ જીતી શકી નથી. જોકે, એકવાર ટેસ્ટ મેચ ડ્રો કરવામાં ચોક્કસપણે સફળ રહી હતી. આ ડ્રો ટેસ્ટ મેચ 1986માં રમાઈ હતી.


 એજબેસ્ટન ખાતે ટીમ ઈન્ડિયાનો ટેસ્ટ રેકોર્ડ 


 કુલ ટેસ્ટ મેચ: 7


હારઃ 6


ડ્રોઃ 1


કોહલીની કેપ્ટનશીપમાં ટેસ્ટ શ્રેણીની શરૂઆત થઈ હતી


ગત વર્ષે વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડ વિરૂદ્ધ 5 ટેસ્ટ મેચની સીરિઝ શરૂ કરી હતી. પ્રથમ 4 મેચમાં ભારતીય ટીમે 2-1થી સરસાઈ મેળવી હતી. કોવિડને કારણે પાંચમી ટેસ્ટ સ્થગિત કરવામાં આવી હતી. આ પછી કોહલીએ તે જ વર્ષે એટલે કે 2022 ની શરૂઆતમાં કેપ્ટન પદેથી રાજીનામું આપી દીધું હતું. બાદમાં રોહિત શર્માને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.


રોહિત ઇગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટમાં કોરોનાના કારણે બહાર થઇ ગયો છે. જ્યારે વાઇસ કેપ્ટન કેએલ રાહુલ ઈજાના કારણે શ્રેણીમાંથી બહાર છે. રોહિતની ગેરહાજરીમાં હવે બુમરાહને કેપ્ટનશીપ સોંપવામાં આવી છે.