World Cup 2023: ભારત દ્વારા આયોજિત વન-ડે વર્લ્ડ કપ 2023 અંગે ચાહકોનો ઉત્સાહ ચરમસીમાએ છે. જો કે, હવે ટૂર્નામેન્ટ તેના અંતિમ તબક્કામાં છે, કારણ કે લીગ તબક્કાની તમામ મેચો સમાપ્ત થઈ ગઈ છે. હવે ટુર્નામેન્ટમાં માત્ર ત્રણ મેચ બાકી છે, જેમાંથી બે સેમિ ફાઈનલ અને એક ફાઈનલ. આવી સ્થિતિમાં આ દિવસોમાં દુનિયાભરના ઘણા મહાન ક્રિકેટરો ભારતમાં છે, જેમાંથી એકનું નામ ઇંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર માઇકલ વોનનું છે.
માઈકલ વોને તેના ઓફિશિયલ એક્સ એકાઉન્ટ પર એક તસવીર અને વીડિયો શેર કર્યો છે. જેમાં તે મુંબઈમાં ફૂટપાથ પર શેવિંગ કરાવતો અને વાળ કપાવતો જોવા મળી રહ્યો છે. વોને પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે 'મારા સારા મિત્ર દીનદયાલ સાથે ઓર્મિંસ્ટન રોડ પર સોમવારે શેવિંગ ડે.' આ પહેલીવાર નથી જ્યારે વોન અહીં શેવિંગ માટે આવ્યો હોય આ પહેલા તે IPL 2023 દરમિયાન પણ દીનદયાલ પાસે આવ્યો હતો, જેના વિશે તેણે પોસ્ટ પણ કરી હતી.
રસ્તાના કિનારે દાઢી કરવાના કારણે લોકો વોનની પ્રશંસા કરી રહ્યા છે. માઈકલ વોનની પોસ્ટ પરથી એ નિશ્ચિત છે કે ઈંગ્લેન્ડનો પૂર્વ કેપ્ટન સેમિફાઈનલ મેચ જોવા માટે તૈયાર છે. માઈકલ વોન વન-ડે વર્લ્ડ કપ 2023માં પાકિસ્તાનીઓને આપેલા જવાબ માટે પહેલાથી જ ચર્ચામાં છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર મોહમ્મદ હફીઝે વિરાટ કોહલીની ટીકા કરી હતી અને તેને સ્વાર્થી ખેલાડી કહ્યો હતો. આ પછી વોને સોશિયલ મીડિયા પર તેનો ક્લાસ લીધો હતો. સાથે એક તસવીર પણ પોસ્ટ કરી જેમાં કોહલીએ હાફિઝને આઉટ કર્યો હતો.
સેમિ ફાઇનલ-ફાઇનલ મેચો ક્યારે રમાશે?
ICC ODI વર્લ્ડ કપની પ્રથમ સેમિફાઇનલ મેચ 15 નવેમ્બરે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે, જે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે. બીજી સેમિફાઇનલ દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે, જે 16 નવેમ્બર 2023ના રોજ કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાશે.