નવી દિલ્લીઃ દિલ્લીમાં કોરાનાના કેસો વધી રહ્યા છે ત્યારે એક ક્રિકેટર પણ તેનો ભોગ બનીને મોતને ભેટ્યો છે. દિલ્હીના ક્રિકેટર સંજય ડોબાલનું કોરોના વાયરસનો ચેપ લાગવાથી મોત થયું છે. ડોબાલને કોરોનાના કારણે હોસ્પિટલમાં દાખલ કરાયા ત્યારે ગૌતમ ગંભીર મદદ કરી હતી. ગંભીર અને આકાશ ચોપરાએ સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને મદદ કરવા અપીલ પણ કરી હતી.


દિલ્હીવતી અંડર-23 ટીમમાં રમી ચૂકેલા ડોબાલનું મોત કોરોનાના કારણે થયું હોવાના સમાચારને દિલ્હી એન્ડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશને સમર્થન આપ્યું છે. ડોબાલ 52 વર્ષના હતા. ડોબાલનો પુત્ર સિધ્ધાંત ડોબાલ રાજસ્થાનની રણજી ટીમમાં છે.

દિલ્હી એન્ડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી વિનાદ તિહારાએ એક નિવેદનમાં જણાવ્યું કે, સંજય ડોબાલના અકાળે થયેલા અવસાને ક્રિકેટ જગતને હચમચાવી દીધું છે. તિહારાએ જણાવ્યું કે, દિલ્હી એન્ડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન વતી હું હૃદયપૂર્વક દિલસો વ્યક્ત કરીને શ્રધ્ધાંજલિ આપું છું. આ દુઃખની ઘડીમાં અમે તેમના પરિવાર સાથે છીએ.



ડોબાલને કોરોના થયો હોવાની જાણ દિલ્હીના ક્રિકેટર મિથુન મિન્હાસે કરી હતી. ડોબાલને ન્યુમોનિયા થઈ ગયો હતો અને તેનાં ફેફસાં નબળાં પડી ગયાં હતાં. તેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેના ત્રણ અઠવાડિયાં પછી તેને કોરોનાનો ચેપ લાગી જતાં તેનું મોત થયું છે.

દિલ્હી ક્રિકેટ ટીમના સપોર્ટ સ્ટાફમાં રહી ચૂકેલા ડોબાસ એર ઈન્ડિયામાં નોકરી કરતા હતા. વિરેન્દ્ર સેહવાગ, ગૌતમ ગંભીર, શિખર ધવન વગેરે સાથે તેમને સારા સંબંધો હતા.