Sunil Gavaskar On Hardik Pandya: ઓસ્ટ્રેલિયામાં યોજાનારા ટી-20 વર્લ્ડ કપને હવે માત્ર 4 મહિના જ બાકી છે. ભારત સહિત મોટાભાગની ટીમોએ આ વર્લ્ડ કપની તૈયારીઓ શરૂ કરી દીધી છે. હાલમાં ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકા સામે 5 T20 મેચોની સીરીઝ રમી રહી છે. આ પછી ભારતીય ટીમ ઈંગ્લેન્ડ અને આયર્લેન્ડ સામે ટી20 મેચોની શ્રેણી રમશે. હવે પૂર્વ ભારતીય ખેલાડી સુનીલ ગાવસ્કરે મોટું નિવેદન આપ્યું છે. લિટલ માસ્ટરે ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની જોરદાર પ્રશંસા કરી હતી.


'હાર્દિક પંડ્યા મેચ વિનર પ્લેયર'


સુનિલ ગાવસ્કરનું માનવું છે કે હાર્દિક પંડ્યા ભારતીય ટીમનો મેચ વિનર સાબિત થશે. તેણે કહ્યું કે હાર્દિક પંડ્યા ઓસ્ટ્રેલિયામાં યોજાનાર ટી20 વર્લ્ડ કપમાં ભારત માટે મોટો મેચ વિનર સાબિત થઈ શકે છે. ગાવસ્કરે વધુમાં કહ્યું કે બેટિંગ સિવાય હાર્દિક પંડ્યા બોલિંગમાં પણ મહત્વનું યોગદાન આપી શકે છે. તેમજ સુનીલ ગાવસ્કરનું માનવું છે કે હાર્દિક પંડ્યા નવા બોલથી વધુ સારી બોલિંગ કરી શકે છે.


પંડ્યાની કપ્તાનીમાં ગુજરાત ટાઇટન્સ ચેમ્પિયન બની હતી


ઉલ્લેખનીય છે કે, સાઉથ આફ્રિકા સામેની પાંચ મેચની T20 સીરીઝ માટે હાર્દિક પંડ્યા ભારતીય ટીમમાં પરત ફર્યો છે. સાઉથ આફ્રિકા સામેની પ્રથમ T20 મેચમાં હાર્દિક પંડ્યાએ 12 બોલમાં 31 રન બનાવ્યા હતા. અગાઉ IPL 2022ની સિઝન હાર્દિક પંડ્યા માટે શાનદાર રહી હતી. પંડ્યાના નેતૃત્વમાં ગુજરાત ટાઇટન્સે તેની પ્રથમ સિઝનમાં જ ટાઇટલ જીત્યું હતું. હાર્દિક પંડ્યાએ આ સિઝનમાં 16 મેચમાં 458 રન બનાવવા ઉપરાંત 8 વિકેટ લીધી હતી.