સહેવાગને અમે સ્ટાર બનાવ્યો, કોહલી પૈસાના કારણે રમે છે, -પૂર્વ પાકિસ્તાની ક્રિકેટરનો બફાટ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 20 Feb 2020 11:43 AM (IST)
નોંધનીય છે કે, આ ટૉક શૉમાં રઝાકે પાકિસ્તાની ક્રિકેટ બોર્ડની સિસ્ટમ પર પણ અનેક સવાલો ઉઠાવ્યા હતા
લાહોરઃ પાકિસ્તાની ટીમના પૂર્વ ખેલાડીઓ અવારનવાર પોતાના નિવેદનને લઇને વિવાદ ઉભો કરતા રહે છે, હવે આ લિસ્ટમાં અબ્દુલ રઝાકનુ નામ પણ જોડાઇ ગયુ છે. અબ્દુલ રઝાકે સહેવાગ અને કોહલીની સફળતા અંગે બફાટ કર્યો છે. એક ટીવી ચેનલ પર ટૉક શૉમાં પાકિસ્તાનના પૂર્વ ઓલરાઉન્ડર અબ્દુલ રઝાકે કહ્યું કે, વિરેન્દ્ર સહેવાગને પાકિસ્તાની ટીમે હીટ કર્યો છે, પાકિસ્તાનમાં ત્રેવડી સદી ફટકારવાના કારણે સહેવાગ હીટ થઇ ગયો હતો. અમારી ટીમે તેના કેટલાય કેચ છોડ્યા, ખરાબ ફિલ્ડિંગના કારણે તે ત્રેવડી સદી ફટકારી શક્યો હતો. આ ટૉકમાં રઝાકે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને લઇને પણ વિવાદિત નિવેદેન આપ્યુ હતુ. રઝાકે કહ્યું કે, વિરાટ કોહલીની સફળતામાં આઇપીએલ મહત્વની છે, કોઇ ખેલાડીને તમે 20 કરોડ રૂપિયા આપશો તો તે ટીમને જીતાડવા માટે કામ કરશે. ભારતમાં આઇપીએલના કારણે યુવા અને ટેલેન્ટેડ ખેલાડીઓ બહાર આવ્યા છે. નોંધનીય છે કે, આ ટૉક શૉમાં રઝાકે પાકિસ્તાની ક્રિકેટ બોર્ડની સિસ્ટમ પર પણ અનેક સવાલો ઉઠાવ્યા હતા.