નવી દિલ્હીઃ ગયા વર્ષે રમાયેલા આઇસીસી વનડે વર્લ્ડકપ 2019માં ટીમ ઇન્ડિયા નંબર ચારના બેટ્સમેનને લઇને સંઘર્ષ કરતી દેખાઇ. વર્લ્ડકપની સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે હારીને બહાર થઇ ગયેલી ટીમ ઇન્ડિયાની ચારેય બાજુ નિંદા થઇ હતી, જેમાં એક કારણે રાયડુને ટીમ ઇન્ડિયામાંથી પડતો મુકવાની વાત પણ સામેલ હતી. હવે એક વર્ષના લાંબા સમય બાદ પૂર્વ સિલેક્ટર દેવાંગ ગાંધીએ માન્યુ છે કે રાયડુને ટીમમાં પસંદગી ના કરવી અમારી મોટી ભૂલ હતી.


વર્લ્ડકપની ટીમની પસંદગી થયા પહેલા સુધી રાયડુને વનડે ટીમનો નંબર ચારનો મુખ્ય બેટ્સમેને માનવામાં આવતો હતો, પરંતુ પસંદગીકારોએ રાયડુના સ્થાને વિજય શંકરને સિલેક્ટ કરી લીધો. બાદમાં બે ખેલાડીઓના રિપ્લેસમેન્ટ તરીકે પણ મયંક અગ્રવાલ અને ઋષભ પંતને ટીમમાં જગ્યા આપવામાં આવી હતી, પરંતુ રાયડુને નહીં.

ગાંધીએ હવે માન્યુ છે કે ટીમ ઇન્ડિયા વર્લ્ડકપના સફરમાં માત્ર એક દિવસ જ સારુ પ્રદર્શન ના કરી શકી. પૂર્વ સિેલેક્ટરે કહ્યું- આખી ટૂર્નામેન્ટમાં ફક્ત એક દિવસ ટીમ ઇન્ડિયા માટે સારો ના રહ્યો, પરંતુ રાયડુનુ ના હોવુ એક મોટો મુદ્દો બની ગયો.

ઉલ્લેખીય છે કે વર્લ્ડકપની ટીમમાં જગ્યા ના મળવાના કારણે રાયડુ નિરાશ થઇ ગયો હતો, અને તે સમયે તેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી દીધી હતી, જોકે બાદમાં રાયડુએ ફેંસલો પાછો ખેંચી લીધો હતો.