Champions Trophy Qualification: વર્લ્ડ કપ 2023ની લીગ સ્ટેજની મેચો પૂરી થતાની સાથે જ વર્ષ 2025માં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફીનું ચિત્ર પણ સ્પષ્ટ થઈ ગયું છે. વાસ્તવમાં ICC એ નક્કી કર્યું હતું કે પાકિસ્તાન સિવાય વર્લ્ડ કપ લીગ સ્ટેજના પોઈન્ટ ટેબલમાં ટોપ-7 ટીમોને જ ચેમ્પિયન્સ ટ્રોફીમાં સ્થાન મળશે. આવી સ્થિતિમાં હવે જ્યારે લીગ તબક્કાની તમામ 45 મેચો રમાઈ ગઈ છે ત્યારે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લેનારી તમામ ટીમોના નામ પણ નક્કી થઈ ગયા છે.


પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની યજમાની કરી રહ્યું છે, તેથી આ ટૂર્નામેન્ટમાં તેની ભાગીદારી પહેલાથી જ નક્કી કરવામાં આવી હતી. પોઈન્ટ ટેબલની ટોપ-7 ટીમોમાં પાકિસ્તાન ઉપરાંત, ભારત, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાન પહેલાથી જ વર્લ્ડ કપની બેક ટુ બેક મેચો જીતીને ચેમ્પિયન્સ ટ્રોફી માટે ક્વોલિફાય કરી ચૂક્યા છે. છેલ્લી બે જગ્યાઓ માટે જોરદાર દોડધામ થઈ હતી. આ રેસ શ્રીલંકા, બાંગ્લાદેશ, નેધરલેન્ડ્સ અને ઈંગ્લેન્ડ વચ્ચે હતી.


એક સમયે ઈંગ્લેન્ડ ચેમ્પિયન્સ ટ્રોફીના છેલ્લા બે સ્થાનો પર કબજો કરવાની રેસમાં પાછળ રહી ગયું હતું. શ્રીલંકા અને નેધરલેન્ડ્સ ટોપ-8માં સામેલ હતા પરંતુ છેલ્લી મેચોમાં પરિસ્થિતિ બદલાઈ ગઈ અને ઈંગ્લેન્ડ અને બાંગ્લાદેશે પોઈન્ટ ટેબલના ટોપ-8માં પ્રવેશ મેળવીને શ્રીલંકા અને નેધરલેન્ડ્સની આશાઓ પર પાણી ફેરવી દીધું હતું.


ચેમ્પિયન્સ ટ્રોફીની આઠ ટીમો


ભારત, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ઈંગ્લેન્ડ, બાંગ્લાદેશ.


વર્લ્ડ કપ 2023માં છેલ્લા બે સ્થાનો પર કબજો જમાવનાર શ્રીલંકા અને નેધરલેન્ડ્સ ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લેવાનું ચૂકી ગયા છે. આ સાથે, વેસ્ટ ઈન્ડિઝ, ઝિમ્બાબ્વે અને આયરલેન્ડ જેવા અન્ય ICC સભ્ય દેશો પણ ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં નહીં રમે. આ ત્રણેય ટીમ વર્લ્ડ કપ માટે પણ ક્વોલિફાય કરી શકી નથી.


ટીમ ઇન્ડિયા વર્લ્ડ કપ 2023ની પ્રથમ સેમિફાઇનલમાં ન્યુઝીલેન્ડનો સામનો કરશે. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં 15 નવેમ્બરે બપોરે 2 વાગ્યે રમાશે. આ 8મી વખત હશે જ્યારે ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપની સેમિફાઈનલ રમશે. 13 વર્લ્ડ કપમાં 8 વખત સેમીફાઈનલ રમવી એ ખરેખર મોટી ઉપલબ્ધિ છે. જોકે, પાછલી વર્લ્ડ કપ સેમિફાઇનલ મેચોમાં ટીમ ઈન્ડિયાની સફળતાની ટકાવારી ઓછી રહી છે. છેલ્લી 7 વર્લ્ડ કપ સેમીફાઈનલમાં ટીમ ઈન્ડિયા માત્ર 3 મેચ જીતી શકી છે અને 4 મેચમાં હારીને બહાર થવું પડ્યું છે. એટલે કે જીતની ટકાવારી માત્ર 43 છે