નવી દિલ્હીઃ પૂર્વ ભારતીય ઓપનર અને બીજેપી સાંસદ ગૌતમ ગંભીરે ફરી એકવાર ધોનીને આડેહાથે લીધો છે. એક મીડિયા સાથેની વાતચીત દરમિયાન ગંભીરે ધોનીની રૉટેશન પોલીસીને બકવાસ ગણાવી હતી, અને ધોનીને આ મુદ્દે ઠપકો પણ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે જ ગંભીરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસ લઇ લીધો છે.

ગંભીર હાલ દિલ્હીના બીજેપી સાંસદ છે અને વર્ષ 2013 બાદ તેમને એકપણ સફેદ બૉલ મેચ (વનડે) નથી રમી. એક મીડિયાના આપેલા ઇન્ટરવ્યૂમાં ગંભીરે ધોનીની રૉટેશન પોલીસી પર સવાલો ઉભા કર્યા હતા. ધોનીએ આ રૉટેશન પૉલીસી 2012માં ટીમ ઇન્ડિયામાં લઇને આવ્યો હતો.



રૉટેશન પૉલીસીનો વિરોધ....
રૉટેશન પૉલીસી અંતર્ગત ધોની સીનિયર ખેલાડીઓને અંદર બહાર કરતો હતો. વર્ષ 2012માં ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા સામેની ત્રિકોણીય સીરીઝમાં ધોનીએ રૉટેશન પૉલીસી અપનાવી.

રૉટેશન પૉલીસી પ્રમાણે એક મેચમાં બે જ સીનિયર ખેલાડીઓને રમવાનો મોકો મળતો હતો. આમાં સચિન તેંદુલકર, વિરેન્દ્ર સહેવાગ અને ગૌતમ ગંભીર સામેલ હતા. પણ જ્યારે મુશ્કેલ અને હાર્ડ મેચ આવી ત્યારે ધોનીએ ત્રણેય સીનિયર ખેલાડીઓને પ્લેઇંગ ઇલેવનમાં રમાડ્યા હતા. આ રીતે ખેલાડીઓને રૉટેશન આપવાની નીતિ સામે ગંભીરે ધોની સામે સવાલો ઉભા કર્યા હતા.



ગંભીરે ધોનીને આડેહાથે લેતા કહ્યું કે, તે કેપ્ટન હતો પણ તેની આ નીતિ એકદમ બકવાસ હતી. શરૂઆતની મેચોમાં રૉટેશન પૉલીસી હતી પણ જ્યારે મુશ્કેલ સમય આવ્યો ત્યારે ક્યાં ગઇ આ પૉલીસી. રૉટેશન પૉલીસી કરતાં બેસ્ટ ટીમને જ રમાડવી જોઇએ. જ્યાં સુધી દેશમાં બેસ્ટ ટીમ હોય ત્યાં સુધી રૉટેશન પૉલીસી યોગ્ય નથી.



ઉલ્લેખનીય છે કે, મહેન્દ્ર સિંહ ધોનીની આ રૉટેશન પૉલીસી આઇસીસી વર્લ્ડકપ 2015 માટે હતી, જેમાં તે યુવા ખેલાડીઓને મોકો આપવા માંગતો હતો. જોકે, તે ફેઇલ રહી હતી.