Gautam Gambhir: ભાજપના પૂર્વ સાંસદ અને ભારતીય ક્રિકેટ ટીમના વર્તમાન મુખ્ય કોચ ગૌતમ ગંભીરને 'ISIS કાશ્મીર' તરફથી જાનથી મારી નાખવાની ધમકી મળી છે. બુધવારે તેમણે દિલ્હી પોલીસનો સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી હતી. તેમણે પરિવાર માટે સુરક્ષાની માંગ કરી હતી. 

ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. તેમને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગંભીરને ઈમેલ મારફતે ધમકી આપવામાં આવી હતી. ઇમેલમાં ફક્ત ત્રણ શબ્દો લખ્યા હતા- -I kill You.  ગંભીરે તરત જ પોલીસને આ ઇમેઇલ વિશે જાણ કરી અને સત્તાવાર રીતે ફરિયાદ નોંધાવી હતી. મામલાની ગંભીરતા જોઈને દિલ્હી પોલીસ તાત્કાલિક એક્ટિવ થઈ ગઈ છે.

પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઈમેલ મોકલનારની ઓળખ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ માટે સાયબર સેલ ટીમ ઇમેલને ટ્રેક કરવાનો પ્રયાસ કરી રહી છે અને ટેકનિકલ વિશ્લેષણ દ્ધારા આ બાબતની સઘન તપાસ કરી રહી છે. આ ઇમેલ કોણે અને ક્યાંથી મોકલ્યો તે હજુ સુધી સ્પષ્ટ નથી.

દરમિયાન ગૌતમ ગંભીરના કાર્યાલયે માહિતી આપી હતી કે ગૌતમ ગંભીરને 'ISIS કાશ્મીર' તરફથી જાનથી મારી નાખવાની ધમકી મળી છે. બુધવારે, તેમણે દિલ્હી પોલીસનો સંપર્ક કર્યો અને આ મામલે FIR નોંધવાની ફરિયાદ કરી. આ સાથે તેમણે પોતાના પરિવારની સુરક્ષા વધારવાની પણ માંગ કરી છે.

ગંભીરને અગાઉ પણ મળી ચૂકી છે ધમકીઓ

ધમકીની ગંભીરતાને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસ આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને ગૌતમ ગંભીર અને તેમના પરિવારની સુરક્ષા માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 22 એપ્રિલના રોજ ગૌતમ ગંભીરને ઇમેલ દ્વારા બે વાર ધમકીઓ મળી હતી એક બપોરે અને બીજી સાંજે. બંને ઇમેલમા ફક્ત ત્રણ શબ્દો લખેલા હતા: "I Kill U (You)".  ગંભીરને આવી ધમકીઓ પહેલી વાર મળી નથી. નવેમ્બર 2021માં જ્યારે તેઓ સાંસદ હતા ત્યારે તેમને આવો જ એક ઇમેલ મળ્યો હતો.

પહલગામ હુમલાની નિંદા કરી હતી

ગૌતમ ગંભીરે મંગળવારે એક્સ પર પહલગામ આતંકવાદી હુમલાની સખત નિંદા કરી. ગંભીરે X પર લખ્યું હતું - માર્યા ગયેલા લોકોના પરિવારો માટે પ્રાર્થના કરી રહ્યો છું. આ માટે જવાબદાર લોકોને તેની કિંમત ચૂકવવી પડશે. ભારત જવાબ આપશે. યાદ રાખો, જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આ હુમલામાં 26 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા, જ્યારે આતંકવાદીઓએ બૈસરન ખીણમાં પ્રવાસીઓ પર ગોળીબાર કર્યો હતો.