પેલેસ્ટાઈન આતંકવાદી સંગઠન હમાસ અને ઈઝરાયલ વચ્ચે હાલમાં યુદ્ધ ચાલી રહ્યું છે. તેની શરૂઆત 7 ઓક્ટોબરે થઈ હતી. હુમલાની શરૂઆતમાં હમાસ દ્વારા નિયંત્રિત ગાઝા પટ્ટીમાંથી ઇઝરાયલ પર ઓછામાં ઓછા 3,000 રોકેટ છોડવામાં આવ્યા હતા. દરમિયાન હમાસના હુમલાખોરોએ ઇઝરાયલના હજારો લોકોને બંધક બનાવ્યા હતા અને લગભગ 1300 લોકોની હત્યા પણ કરવામાં આવી હતી. આ પછી ઈઝરાયલે ગાઝા પટ્ટી પર હવાઈ હુમલાઓ કરી હમાસને જવાબ આપ્યો હતો


હમાસના સમર્થનમાં આવ્યા પાકિસ્તાની ક્રિકેટરો


આ મામલામાં પાકિસ્તાનના ક્રિકેટરો હમાસના આતંકવાદીઓને સમર્થન આપી રહ્યા છે. ટીમના ફાસ્ટ બોલર હારિસ રઉફ સહિત ઘણા ખેલાડીઓએ બુધવારે સોશિયલ મીડિયા પર પેલેસ્ટાઈનનો ધ્વજ પોસ્ટ કર્યો હતો. આમાંથી ઘણા ખેલાડીઓ હાલમાં ભારતમાં વર્લ્ડ કપ રમી રહ્યા છે. ટીમમાંથી બહાર રહેલા ઓલરાઉન્ડર ઈમાદ વસીમે પેલેસ્ટાઈનનો ધ્વજ શેર કરતા લખ્યું- અલ્લાહ તેમની મદદ કરે.


રિઝવાને જીત સમર્પિત કરી હતી


આ પહેલા પાકિસ્તાન ટીમના વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાને વર્લ્ડ કપમાં શ્રીલંકા સામેની જીત ગાઝાને સમર્પિત કરી હતી. ગાઝા હમાસના નિયંત્રણમાં છે અને ત્યાંથી તેમની આતંકવાદી ગતિવિધિઓ ચાલી રહી છે. હમાસે ગાઝામાં જ ઈઝરાયલીઓને બંધક બનાવી રાખ્યા છે. રિઝવાને શ્રીલંકા સામે સદી ફટકારીને પોતાની ટીમને જીત અપાવી હતી. જે બાદ તેણે હમાસના સમર્થનમાં ટ્વિટ કર્યું હતું.


આ યાદીમાં મોહમ્મદ નવાઝ, ઓસામા મીર, શાદાબ ખાન અને હારિસ રઉફ જેવા ખેલાડીઓ છે. તમામ ખેલાડીઓએ તેમના ટ્વિટર (X) એકાઉન્ટ પરથી પેલેસ્ટાઈન ધ્વજનો ફોટો પોસ્ટ કર્યો હતો. જ્યારે મોહમ્મદ રિઝવાને પેલેસ્ટાઈનને સમર્થન જાહેર કર્યું હતું. તે સમયે લોકો તેમના પર ખૂબ નારાજ હતા. ચાહકોએ ICC પાસે રિઝવાન વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી હતી. જો કે ICCએ હજુ સુધી આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી.


શ્રીલંકા સામેની જીત બાદ રિઝવાને તેના X એકાઉન્ટમાંથી લખ્યું હતું કે , “અમે આ જીતનો શ્રેય અમારા ગાઝાના ભાઈ-બહેનોને આપવા માંગીએ છીએ. હું વિજયમાં યોગદાન આપીને ખૂબ જ ખુશ છું. આનો શ્રેય પણ આખી ટીમને જાય છે. ખાસ કરીને અબ્દુલ્લા શફીક અને હસન અલી જેમણે વિજયને ખૂબ જ સરળ બનાવ્યો હતો. હૈદરાબાદના લોકોનો આટલો પ્રેમ જોઈને હું ખૂબ જ ખુશ છું.”