નવી દિલ્હીઃ ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના અંદાજે 50 હજાર કેસ સામે આવ્યા છે. કોરોનાના કારણે બગડતી સ્થિતિ પર ભારતના અનુભવી સ્પિનર હરભજન સિંહે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે. હરભજનનું કહેવું છે કે, ટૂંકમાં જ એક જ દિવસમાં એક લાખ કેસ સામે આવી શકે છે, પરંતુ કોઈને એ વાતની કોઈ જ ચિંતા નથી.


કોરોનાને કારણે બગડતી સ્થિતિ પર હરભજન સિંહે ટ્વી કરીને ગુસ્સાની સાથે ચિંતા પણ વ્યક્ત કરી છે. ટીમ ઇન્ડિયાના પૂર્વ ક્રિકેટરે લખ્યું કે, “ટૂંકમાં જ એક દિવસમાં એક લાખ કેસ હશે...કોઈને ચિંતા છે ખરી?"

ભારતમાં શુક્રવારે 49,310 નવા કેસ સામે આવ્યા છે જે અત્યાર સુધીના 24 કલાકમાં સૌથી વધારે કેસ છે. દેશમાં ગુરુવારે 45,720 કેસ સામે આવ્યા હતા. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલ આંકડા અનુસાર કુલ કેસની સંખ્યા 12,87,945એ પહોંચી ગઈ છે.

મદદ માટે આગળ આવ્યા હતા હરભજન

હરભજન સિંહ કોરોના વાયરસની શરૂઆતથી જ મહામારીના ખતરાને લઈને લોકોને સાવચેત કરી રહ્યા છે. લોકડાઉન દરમિયાન જે લોકો તેનું પાલન કરતાં ન હતી તેના પર હરભજન સિંહે ગુસ્સો વ્યક્ત કર્યો હતો.

હરભજન સિંહે લોકડાઉન દરમિયાન લોકોની મદદ કરવા માટે પહેલ કરી હતી. લોકડાઉન દરમિયાન હરભજન સિંહે અંદાજે 5000 લોકોને દરરોજ ભોજન ખવડાવ્યું હતું. હરભજન ઉપરાંત ટીમ ઇન્ડિયાના અન્ય ખેલાડીઓએ પણ પીએમ કેયર્સ ફંડમાં દાન  દેવાની સાથે જાગરૂકતા અભિયાનમાં ભાગ લીધો હતો.