Harbhajan Singh: IPLની પહેલી સીઝન એટલે કે વર્ષ 2008માં પૂર્વ ક્રિકેટર હરભજન સિંહે શ્રીસંતને થપ્પડ મારવા મુદ્દે હવે અફસોસ વ્યક્ત કર્યો છે. પૂર્વ ભારતીય ઓફ સ્પિનર હરભજને આ ઘટનાના 14 વર્ષ બાદ પોતાની ભૂલ સ્વીકારી છે. તેમણે આ ઘટના પર અફસોસ વ્યક્ત કરતાં જણાવ્યું કે, મારે શ્રીસંતને થપ્પડ નહોતી મારવાની, એ દિવસે જે થયું તે ખુબ જ ખોટું થયું.


હરભજન સિંહે આગળ કહ્યુ કે, રમતમાં લાગણીઓ હંમેશાં તમારી સાથે રહે છે પરંતુ તેના પર કાબૂ કરવાનો હોય છે. એ દિવસે જે પણ થયું એ મારી ભૂલ હતી. આઈપીએલની શરુઆતની પહેલી સિઝનમાં હરભજન સિંહ મુંબઈ ઈંડિયન્સ તરફથી રમી રહ્યો હતો જ્યારે શ્રીસંત યુવરાજ સિંહની કેપ્ટનશીપ હેઠળ પંજાબ કિંગ્સ તરફથી રમી રહ્યો હતો.


સમગ્ર સીઝન માટે ભજ્જી પર બેન લગાવાયો હતોઃ
શ્રીસંતને થપ્પડ મારવાના આરોપ હેઠળ હરભજન સિંહને સમગ્ર સિઝન માટે બેન કરી દેવાયો હતો. આ સિવાય 5 વનડે મેચો માટે પણ હરભજન સિંહ પર બેન લગાવાયો હતો. હરભજન સિંહ આ પહેલાં પણ ઘણી વખત આ મુદ્દે પોતાનો અફસોસ વ્યક્ત કરી ચુક્યો છે. એક ઈન્ટરવ્યુંમાં કહ્યું હતું કે, શ્રીસંતે ઘણું નાટક કર્યું હતું. પરંતુ મારે એવું નહોતું કરવું જોઈતું. એ મારી ભૂલ હતી. ભજ્જીએ આગળ કહ્યું કે, મેં જે હરકત મેદાન પર કરી તે સંપૂર્ણ રીતે અયોગ્ય હતી. મેં મારી ભૂલોથી શીખ મેળવી છે.