Team India's Playing-11: ટી20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup 2022) માં રવિવારે યોજાયેલા મુકાબલામાં ટીમ ઈન્ડિયા (Team India) ને હારનો સામનો કરવો પડ્યો. દક્ષિણ આફ્રીકાની ટીમે ભારતીય ટીમને 5 વિકેટથી હરાવ્યું હતું. આ હાર બાદ પૂર્વ ક્રિકેટર હરભજન સિંહ (Harbhajan Singh) એ ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11 (Team India's Playing-11) માં ત્રણ મુખ્ય બદલાવ કરવાના સૂચન આપ્યા છે. તેમણે આ સૂચન છેલ્લી ત્રણ મેચમાં ભારતીય ખેલાડીઓના પ્રદર્શનના આધાર પર આપ્યા છે.
કેએલ રાહુલની જગ્યાએ રિષભ પંત
હરભજન સિંહે 'સ્પોર્ટ્સ તક' સાથે વાત કરતા કહ્યું, 'ટીમ ઈન્ડિયાએ હવે કેટલાક મોટા નિર્ણયો લેવા પડશે. કેએલ રાહુલ એક શાનદાર ખેલાડી છે. આપણે બધા આ જાણીએ છીએ. તે મેચ વિનિંગ ખેલાડી છે. પરંતુ જો તે હાલમાં તેના ખરાબ ફોર્મ સાથે આ રીતે સંઘર્ષ કરી રહ્યો છે, તો મને લાગે છે કે ઓપનિંગમાં તેની જગ્યાએ ઋષભ પંતને તક આપવી જોઈએ. તમને જણાવી દઈએ કે કેએલ રાહુલ છેલ્લી ત્રણ મેચમાં બે આંકડા સુધી પણ પહોંચી શક્યો નથી.
દિનેશ કાર્તિકની જગ્યાએ દીપક હુડ્ડા
સાઉથ આફ્રિકા સામેની મેચમાં દિનેશ કાર્તિકને પીઠના નીચેના ભાગમાં ખેંચ આવવાને કારણે મેચની વચ્ચે જ બહાર જવું પડ્યું હતું. તેના સ્થાને રિષભ પંતે બાકીની મેચમાં વિકેટકીપિંગ કર્યું હતું. જો કે, દિનેશ કાર્તિક ટી-20 વર્લ્ડ કપ 2022માં ફોર્મમાં નથી જોવા મળ્યો. આ અંગે હરભજન કહે છે, 'કાર્તિક ઈજાગ્રસ્ત દેખાય છે. મને ખબર નથી કે તેમની સ્થિતિ શું છે. જો તે ફિટ નથી તો રિષભ પંત વિકેટકીપર તરીકે ટીમ ઈન્ડિયા માટે ઓપનિંગ કરી શકે છે. મિડલ ઓર્ડરમાં કાર્તિકની જગ્યાએ દીપક હુડ્ડા બેટિંગની જવાબદારી સંભાળી શકે છે. તે તમને વધારાના સ્પિન બોલરનો વિકલ્પ પણ આપે છે.
આર અશ્વિનની જગ્યાએ યુઝવેન્દ્ર ચહલ
હરભજન કહે છે, 'મને લાગે છે કે અશ્વિનને બદલે યુઝવેન્દ્ર ચહલને તક આપવી જોઈએ. તે એવો બોલર છે જે વિકેટ ઝડપી લે છે. ચહલ મેચ વિનિંગ બોલર છે અને T20 ક્રિકેટમાં શ્રેષ્ઠ સ્પિનરોમાંથી એક છે. મને નથી લાગતું કે અમારી પાસે તેના કરતા સારો લેગ સ્પિનર છે. તેને પ્લેઇંગ-11માં ન લેવો એ મોટી ભૂલ છે.
ટી20 વર્લ્ડકપના ટૉપ આંકડાઓ -
1. સર્વોચ્ચ સ્કૉર - દક્ષિણ આફ્રિકાએ બાંગ્લાદેશ વિરુદ્ધ 5 વિકેટ ગુમાવીને 205 રન બનાવ્યા.
2. સૌથી મોટી જીત - દક્ષિણ આફ્રિકાએ બાંગ્લાદેશને 104 રનોથી હાર આપી.
3. સૌથી વધુ રન - શ્રીલંકાના ઓપનર બેટ્સમેન કુસલ મેન્ડિસે 6 ઇનિંગોમાં 180 રન ફટકાર્યા છે. તેમાં તેની બેટિંગ એવરેજ 36 અને સ્ટ્રાઇક રેટ 156.52 ની રહી છે.
4. સર્વશ્રેષ્ઠ ઇનિંગ - દક્ષિણ આફ્રિકાના રિલી રોસોએ બાંગ્લાદેશ વિરુદ્ધ 109 રનની ઇનિંગ રમી.
5. સૌથી વધુ છગ્ગા - રિલી રોસો અત્યાર સુધી 8 છગ્ગા ફટકારી ચૂક્યો છે.
6. સૌથી વધુ વિકેટ - શ્રીલંકન સ્પીનર વાનિન્દુ હસરંગાએ 6 મેચોમાં 10 વિકેટો ઝડપી છે, આ દરમિયાન તેની બૉલિંગ એવરેજ 16.30 અને ઇકોનૉમી રેટ 7.08 રહ્યો છે.
7. સર્વશ્રેષ્ઠ બૉલિંગ - ઇંગ્લેન્ડના ફાસ્ટ બૉલર સેમ કરને અફઘાનિસ્તાન વિરુદ્ધ મેચમાં 3.4 ઓવરમાં 10 રન આપીને 5 વિકેટો ઝડપી.
8. સૌથી બેસ્ટ વિકેટકીપિંગ - દક્ષિણ આફ્રિકાના વિકેટકીપર ક્વિન્ટૉન ડીકૉકે સ્ટમ્પની પાછળ 6 શિકાર કર્યા છે.
9. સૌથી મોટી ભાગીદારી - દક્ષિણ આફ્રિકાના રિલી રોસો અને ક્વિન્ટૉન ડીકૉકે બાંગ્લાદેશ વિરુદ્ધ 168 રનની ભાગીદારી કરી.
10. સૌથી વધુ કેચ - શ્રીલંકન કેપ્ટન દાસુન શનાકાએ 6 મેચોમાં 6 કેચ કર્યા છે.