Hardik Pandya: હાર્દિક પંડ્યાએ 6 માર્ચે એટલે કે આજે એક નવી સિદ્ધિ હાંસિલ કરી છે. હાર્દિકે આ નવી સિદ્ધિ ક્રિકેટના મેદાન પર નહીં પરંતુ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર મેળવી છે. ઈન્સ્ટાગ્રામ પર હાર્દિકના ફોલોઅર્સની સંખ્યા હવે 25 મિલિયનને વટાવી ગઈ છે અને તે આવું પરાક્રમ કરનાર વિશ્વનો સૌથી યુવા ક્રિકેટર બની ગયો છે.




ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર ક્રિકેટર હાર્દિક પંડ્યા ક્રિકેટના મેદાન પર હંમેશા એક્ટિવ રહે છે, તેની સાથે તે ઈન્સ્ટાગ્રામ પર પણ ઘણો એક્ટિવ રહે છે. હાર્દિક પંડ્યા તેની પત્ની, બાળકો, ભાઈ અને પરિવારના અન્ય સભ્યો સાથે ઈન્સ્ટાગ્રામ પર કંઈક ને કંઈક પોસ્ટ કરતો રહે છે. આ સિવાય છેલ્લા કેટલાક દિવસોથી હાર્દિક પંડ્યા ક્રિકેટની સાથે તેના ફેમિલી ફંક્શનમાં પણ ખૂબ જ વ્યસ્ત છે. આ કારણે તેના એકાઉન્ટ પર ફોલોઅર્સની સંખ્યા ખૂબ જ ઝડપથી વધી છે.


ફોલોઅર્સની સંખ્યા 25 મિલિયનને વટાવી ગઈ છે


હાલમાં, હાર્દિકના ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સની સંખ્યા કેટલાક વૈશ્વિક સ્ટાર્સ જેમ કે રાફેલ નડાલ, રોજર ફેડરર, મેક્સ વર્સ્ટાપેન અને એર્લિંગ હાલેન્ડ કરતાં વધુ છે. આ પ્રસંગે હાર્દિકે તેના ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલ પરથી એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તેની પત્ની તેને 25 પ્રશ્નો પૂછી રહી છે.


હાર્દિકે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, આ પ્રેમ માટે મારા તમામ ચાહકોનો આભાર. મારા દરેક ચાહક મારા માટે ખૂબ જ ખાસ છે અને વર્ષોથી સતત સમર્થન અને પ્રેમ માટે હું હૃદયના ઉંડાણથી તેમનો આભાર માનું છું. આગળ, હાર્દિકે તેની પોસ્ટમાં લખ્યું કે, મારી સુંદર પત્ની નતાશા મને 25 મિલિયન ફોલોઅર્સની ખુશી મનાવવા માટે 25 પ્રશ્નો પૂછી રહી છે.


તમને જણાવી દઈએ કે IPL 2022 બાદથી હાર્દિકની લોકપ્રિયતામાં જોરદાર ઉછાળો આવ્યો છે. IPL 2022 માં હાર્દિક પ્રથમ વખત નવી ટીમ ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન બન્યો અને ટીમને પ્રથમ વખત ટ્રોફી અપાવી. ત્યાર બાદ હાર્દિકે ટીમ ઈન્ડિયા માટે પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. બોલ અને બેટની સાથે તે સારી કેપ્ટનસી પણ કરી રહ્યો છે. આ કારણથી તેને વ્હાઈટ બોલ ક્રિકેટનો વાઇસ કેપ્ટન પણ બનાવવામાં આવ્યો છે. 
.......