નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને બેટ્સમેન કેએલ રાહુલ માટે 2019ની શરૂઆત સારી નહોતી રહી. બંનેએ ફિલ્મ નિર્માતા કરણ જોહરના ચેટ શો કોફી વિથ કરણમાં મહિલાઓ પર કરેલી ટિપ્પણીથી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. હાર્દિક પંડ્યાએ તે સમયને યાદ કરતાં કહ્યું, બંને ખેલાડીએ ઘણા સમય સુધી એકબીજા સાથે વાત કરી નહોતી.


હાર્દિક પંડ્યાએ ક્રિકબઝ માટે જાણીતા કોમેન્ટેટર હર્ષા ભોગલેને આપેલા એક ઈન્ટરવ્યૂમાં આ વાત કરી હતી. પંડ્યાએ કહ્યું, તે ઘટના બાદ અમે બંને પણ સારા મિત્રો બની ગયા અને બંનેમાં ઘણો બદલાવ પણ આવ્યો છે. તે મારા ભાઈ જેવો છે. અમે બંનેએ એકબીજાની સફળતાની મજા લીધી છે અને એક સાથે ખરાબ દિવસો પણ જોયા છે.


પંડ્યાએ કહ્યું, તે સમયે એટલું દબાણ હતું કે બંનેએ એક-બીજા સાથે વાત નહોતી કરી. આ ઘટના બાદ તે થોડો વધારે શાંત થઈ ગયો પરંતુ અમારી દોસ્તી પહેલા જેવી જ છે. અમારી જિંદગીમાં જે પણ થયું પરંતુ અમે એકબીજાને ઘણા પસંદ કરીએ છીએ.

આ ઘટનાથી પોતાની જિંદગીમાં આવેલા બદલાવ અંગે હાર્દિકે કહ્યું, હું થોડા સમજદાર થઈ ગયો છે. મેં મારી જિંદગીમાં ભૂલો કરી છે અને મારી જિંદગીની સૌથી સારી વાત એ છે કે મેં તેનો સ્વીકાર કર્યો છે. તેણે કહ્યું, આ ઘટનાના કારણે લોકોએ મારા પિતાને ગાળો આપી હતી જેનું મને દુઃખ છે.