નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમનો ઓપનર શિખર ધવન મેદાનથી બહાર પોતાના મસ્તીભર્યા અંદાજ માટે જાણીતો છે. મેદાનમાં અનેક વખત તે બેટિંગ ઉપરાંત પોતાની હરકતોથી દર્શકોનું મનોરંજન કરે છે. આવી જ ઘટના 5 વર્ષ પહેલા બની હતી, જે અંગે ધવનના ઓપનિંગ પાર્ટનર રોહિત શર્માએ હવે ખુલાસો કર્યો છે.


ભારતીય ક્રિકેટ ટીમમાં સૌથી શ્રેષ્ઠ ઓપનિંગ જોડીઓ પૈકીની એક રોહિત અને ધવને આશરે 7 વર્ષથી એક સાથે બેટિંગ માટે ક્રિઝ પર ઉતરી રહ્યા છે. તેથી બંને પાસે એકબીજાને લઈ મજેદાર કિસ્સા છે. રોહિતે આવી એક ઘટના અંગે જણાવ્યું, જેનાથી બધા હેરાન રહી ગયા હતા.


ઘટનાને યાદ કરતાં રોહિત કહ્યું, 2015માં અમે બાંગ્લાદેશમાં રમતા હતા. હું પહેલી સ્લિપમાં ઉભો હતો અને ધવન ત્રીજી સ્લિપમાં હતો. અચાનક તે જોર જોરથી ગીત ગાવા લાગ્યો, આ સમયે બોલર રનઅપ લઈ ચુક્યો હતો.

રોહિતે કહ્યું, ધવનને આ પ્રકારે જોઈ તમામ ખેલાડી જોરજોરથી હસવા લાગ્યા હતા. રોહિતે કહ્યું, તમીમ ઇકબાલ બેટિંગ કરતો હતો અને તે પણ ડરી ગયો હતો કે અવાજ ક્યાંથી આવે છે. રોહિત શર્માએ આ વાત ટેસ્ટ ટીમના તેના ઓપનિંગ પાર્ટનર મયંક અગ્રવાલ સાથે બીસીસીઆઈ વીડિયો સીરિઝ ઓપન નેટ્સ વિથ મયંક દરમિયાન કહી હતી. આ ચેટમાં ધવન પણ હાજર હતો. ધવને ખુદ તે ગીત સંભળાવ્યું હતું. બીસીસીઆઈએ આ વીડિયો ટ્વિટ કર્યો હતો.