Hardik Pandya Captain: મુંબઈ ઈન્ડિયન્સ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024ને લઈને મોટા ફેરફારો તરફ આગળ વધી રહી છે. રિપોર્ટ્સનું માનીએ તો હવે હાર્દિક પંડ્યાને રોહિત શર્માની જગ્યાએ મુંબઈનો કેપ્ટન બનાવવામાં આવશે. જો કે ટીમ મેનેજમેન્ટ તરફથી સત્તાવાર માહિતી આપવામાં આવી છે.


 






હાર્દિક પંડ્યાને આ વર્ષે મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં ગુજરાત ટાઈટન્સ તરફથી ટ્રેડ દ્વારા ખરીદવામાં આવ્યો હતો. રોહિત શર્માએ ટીમને 5 વખત IPL ચેમ્પિયન બનાવી હતી. આ માહિતી ટીમ દ્વારા શુક્રવાર 15 ડિસેમ્બરે આપવામાં આવી હતી. પંડ્યા અગાઉ ગુજરાત ટાઇટન્સ તરફથી રમતો હતો. પંડ્યાની કપ્તાનીમાં ગુજરાત ચેમ્પિયન બન્યું હતું. હાર્દિકની વાપસી સાથે તેને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.


રોહિત શર્મા મુંબઈનો સૌથી સફળ કેપ્ટન રહ્યો છે. તેમની કેપ્ટનશીપમાં ટીમ પાંચ વખત ચેમ્પિયન બની હતી. મુંબઈએ 2013, 2015, 2017, 2019 અને 2020માં ટાઈટલ જીત્યું હતું. IPLમાં રોહિતના વ્યક્તિગત પ્રદર્શન પર નજર કરીએ તો તે પણ શાનદાર રહ્યું છે. તેણે 243 મેચમાં 6211 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે એક સદી અને 42 અડધી સદી ફટકારી છે. રોહિતે એપ્રિલ 2008માં પોતાની કારકિર્દીની પ્રથમ IPL મેચ રમી હતી. રોહિતે ડેકન ચાર્જીસ તરફથી રમતા ડેબ્યુ કર્યું હતું.


 






હાર્દિક પંડ્યા IPL 2024થી કેપ્ટન તરીકે ટીમનું નેતૃત્વ કરશે


મુંબઈ ઈન્ડિયન્સના ગ્લોબલ હેડ માહેલા જયવર્દનેએ હાર્દિકને કેપ્ટન બનાવવા પર કહ્યું કે, MIની સાચી ફિલસૂફી મુજબ તે પરંપરાને જાળવી રાખવા અને ભવિષ્ય માટે વધુ સારી રીતે તૈયાર રહેવાની બાબત છે. મુંબઈ ઈન્ડિયન્સની ટીમ હંમેશા એ હકીકતમાં સમૃદ્ધ રહી છે કે તેમાં સચિન તેંડુલકરથી લઈને હરભજન સિંહ અને રિકી પોન્ટિંગથી લઈને રોહિત શર્મા સુધીના એકથી એક શાનદાર કેપ્ટન રહ્યા છે. તે બધાએ ભવિષ્ય માટે ટીમને તૈયાર કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને ખૂબ જ મજબૂત ટીમ બનાવવામાં યોગદાન આપ્યું. આ ફિલસૂફીને ધ્યાનમાં રાખીને, સમજી શકાય છે કે હાર્દિક પંડ્યા IPL 2024થી કેપ્ટન તરીકે ટીમનું નેતૃત્વ કરશે.