તાજેતરમાં ભારત અને બાંગ્લાદેશની મહિલા ક્રિકેટ ટીમો વચ્ચે ત્રણ ટી-20 અને ત્રણ વન-ડે મેચની શ્રેણી રમાઈ હતી. ટી-20 સીરિઝમાં કોઈ વિવાદ નહોતો થયો પરંતુ વનડે સીરિઝમાં વિવાદ થયો હતો. બંન્ને ટીમો વચ્ચેની ત્રીજી વનડે-માં વિવાદ ચરમસીમાએ પહોંચ્યો હતો જે ટાઈમાં સમાપ્ત થયો હતો.
ત્રીજી વન-ડે દરમિયાન ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરને બાંગ્લાદેશી અમ્પાયર તનવીર અહેમદે LBW આઉટ આપ્યો હતો. ત્યારબાદ હરમને ગુસ્સામાં તેનું બેટ સ્ટમ્પ પર માર્યું હતું અને અમ્પાયર સાથે દલીલ કરી. આટલું જ નહીં, મેચ સમાપ્ત થયા બાદ હરમનપ્રીતે બાંગ્લાદેશી અમ્પાયરોની પણ આકરી ટીકા કરી હતી. હવે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) આ સમગ્ર મામલાને લઈને કડક કાર્યવાહીના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે.
કેટલીક મેચો માટે પ્રતિબંધિત થશે
ESPN Cricinfo ના રિપોર્ટ અનુસાર, આચાર સંહિતાના લેવલ-2નું ઉલ્લંઘન કરવા બદલ હરમનપ્રીતને ચાર ડીમેરિટ પોઈન્ટ મળી શકે છે. હરમનપ્રીતને સ્ટમ્પ પર મારવા બદલ ત્રણ ડીમેરિટ પોઈન્ટ અને મેચ અધિકારીઓની ટીકા કરવા બદલ એક ડીમેરિટ પોઈન્ટ આપવામાં આવી શકે છે. ચાર ડીમેરિટ પોઈન્ટ મળવાને કારણે હરમનપ્રીત પર બે મેચનો પ્રતિબંધ લાગી શકે છે. જો કે આઈસીસીએ હજુ સુધી આ અંગે કોઈ નિવેદન જાહેર કર્યું નથી. હાલમાં BCCI આ મામલે ICC સાથે વાત કરી રહ્યું છે.
આઈસીસીના નિયમો અનુસાર, જ્યારે કોઈ ખેલાડીને 24 મહિનાની અંદર ચાર ડીમેરિટ પોઈન્ટ મળે છે તો તેને સસ્પેન્શન પોઈન્ટમાં ફેરવી દેવામાં આવે છે અને ખેલાડી પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. એક ટેસ્ટ કે બે વનડે કે બે ટી-20 મેચ પર પ્રતિબંધ મૂકવા માટે બે ડીમેરિટ પોઈન્ટની જરૂર છે. જો હરમનપ્રીતને સસ્પેન્ડ કરવામાં આવે છે, તો આ સસ્પેન્શન સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં દક્ષિણ આફ્રિકા સામે ત્રણ વનડે અને ત્રણ ટી-20 મેચોની શ્રેણી દરમિયાન લાગુ થશે. હરમનપ્રીત લેવલ-2 હેઠળ પ્રતિબંધિત પ્રથમ મહિલા ખેલાડી હશે.
ICC નો લેવલ-2 નિયમ શું છે?
લેવલ-2 નો નિયમ મેદાન પર ખેલાડીઓના વર્તન સાથે સંબંધિત છે. અમ્પાયરના નિર્ણય સાથે ગંભીર અસંમતિ વ્યક્ત કરવી, મેચ સંબંધિત ઘટના અથવા મેચ અધિકારીઓની જાહેરમાં ટીકા કરવી, મેચના સાધનોને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવો, અમ્પાયર અથવા અધિકારી પર આક્રમક રીતે બોલ ફેંકવો, અભદ્ર ભાષાનો ઉપયોગ કરવો એ ICC લેવલ-2 ગુનો ગણવામાં આવે છે.
હરમનને 2017માં પણ ડીમેરિટ પોઈન્ટ મળ્યા હતા
જો હરમનપ્રીત કૌર આચારસંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ દોષિત સાબિત થશે તો તે વેદા કૃષ્ણમૂર્તિની વિશેષ યાદીમાં સામેલ થશે. અત્યાર સુધી વેદા એકમાત્ર ભારતીય મહિલા ક્રિકેટર છે જે બે વખત આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ દોષી સાબિત થઈ છે. હરમનપ્રીતને અગાઉ 2017 વર્લ્ડ કપ દરમિયાન ડીમેરિટ પોઈન્ટ મળ્યા હતા. ત્યાર પછી હરમને ઓસ્ટ્રેલિયાની સેમિફાઈનલ મેચ દરમિયાન ગુસ્સામાં પોતાનું હેલ્મેટ જમીન પર ઉતારી દીધું હતું, જેને લેવલ-1નો ગુનો ગણવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં 29 મહિલા ક્રિકેટર એવી છે જેઓ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ દોષિત સાબિત થઈ છે
Join Our Official Telegram Channel: