ind vs pak champions trophy: દુબઈમાં ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫માં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહેલા હાઈવોલ્ટેજ મુકાબલામાં ભારતીય ફિલ્ડરોથી કેટલીક ક્ષતિઓ જોવા મળી. ખાસ કરીને કુલદીપ યાદવ અને હર્ષિત રાણાએ મેચ દરમિયાન એક-એક સરળ કેચ છોડ્યા હતા, જેનાથી દર્શકો અને ટીમના સભ્યો નિરાશ થયા હતા. જો કે, રાહતની વાત એ છે કે આ કેચ ડ્રોપ થવાનો ભારતીય ટીમને મેચમાં કોઈ મોટો ફટકો પડ્યો નહીં.
પાકિસ્તાની ટીમના કેપ્ટન ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ ભારતીય બોલરોના શાનદાર પ્રદર્શન સામે તેમની શરૂઆત નબળી રહી હતી. સમાચાર લખાયા ત્યાં સુધીમાં પાકિસ્તાનની અડધી ટીમ ૧૬૫ રનના સ્કોર પર પેવેલિયન ભેગી થઈ ગઈ હતી, અને મેચ પર ભારતનું નિયંત્રણ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. પાકિસ્તાન માટે મેચમાં ૩૦૦ રન સુધી પહોંચવું મુશ્કેલ લાગી રહ્યું હતું.
મેચ દરમિયાન ભારતીય બોલરોએ બોલિંગમાં તો કમાલ કરી જ હતી, પરંતુ ફિલ્ડિંગમાં અક્ષર પટેલે પણ એક શાનદાર થ્રો કરીને દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. જો કે, ફિલ્ડિંગમાં થોડી ક્ષતિઓ પણ જોવા મળી હતી, જ્યારે હર્ષિત રાણા અને કુલદીપ યાદવે આસાન કેચ છોડીને સૌને નિરાશ કર્યા હતા.
હર્ષિત રાણાએ ૩૩મી ઓવરમાં એક કેચ છોડ્યો હતો. હાર્દિક પંડ્યાના ગુડ લેન્થ બોલ પર બેટ્સમેને લેગ સાઈડ તરફ હવામાં શોટ ફટકાર્યો હતો, અને ત્યાં ઉભેલા ફિલ્ડર હર્ષિત રાણાએ કેચ પકડવાનો પૂરો પ્રયાસ કર્યો, પરંતુ બોલ તેની આંગળીઓને સ્પર્શીને જમીન પર પડી ગયો હતો. જો કે, પાકિસ્તાની બેટ્સમેન રિઝવાન આ જીવનદાનનો ફાયદો ઉઠાવી શક્યો નહીં અને પછીની ઓવરમાં અક્ષર પટેલના બોલ પર ક્લીન બોલ્ડ થયો હતો. રિઝવાન ૭૭ બોલમાં ૪૬ રન બનાવીને આઉટ થયો હતો.
અક્ષર પટેલે જે ઓવરમાં રિઝવાનને બોલ્ડ કર્યો હતો, તે જ ઓવરના ચોથા બોલ પર કુલદીપ યાદવ દ્વારા કેચ ડ્રોપ થયો હતો. અક્ષર પટેલના બોલ પર બેટ્સમેન સઈદ શકીલે મિડ-વિકેટ તરફ હવામાં શોટ માર્યો હતો. લોંગ ઓન પર ફિલ્ડિંગ કરી રહેલા કુલદીપ યાદવે આગળ દોડીને ડાઇવ લગાવી કેચ લેવાનો પ્રયાસ કર્યો, પરંતુ બોલ તેના હાથમાંથી છટકી ગયો હતો. શકીલને ૫૭ રનના સ્કોર પર જીવનદાન મળ્યું હતું. પરંતુ શકીલ પણ આ તકનો લાભ લઈ શક્યો નહીં અને તે પછીની ઓવરમાં હાર્દિક પંડ્યાના હાથે કેચ આઉટ થયો હતો.
આ પણ વાંચો....