30 સપ્ટેમ્બરથી ભારતમાં મહિલા વનડે વર્લ્ડ કપ શરૂ થઈ રહ્યો છે. ICC એ આ ટુર્નામેન્ટ માટે ઈનામી રકમની જાહેરાત કરી છે. આ વખતે વર્લ્ડ કપ જીતનારી ટીમ પર ઘણા પૈસાનો વરસાદ થવાનો છે. ICC એ મહિલા વર્લ્ડ કપ જીતનારી ટીમ માટે 4.48 મિલિયન ડોલર (39.4 કરોડ) ની ઈનામી રકમની જાહેરાત કરી છે, જે 2022માં રમાયેલા ODI વર્લ્ડ કપ કરતા 4 ગણી વધારે છે. 2022 મહિલા વર્લ્ડ કપનો ખિતાબ ઓસ્ટ્રેલિયાએ જીત્યો હતો.

ઈનામની રકમ 2023ના મેન્સ વનડે વર્લ્ડ કપ કરતાં ઘણી વધારે છે

આઠ ટીમોની આ ટુર્નામેન્ટની કુલ ઈનામી રકમ $13.88 મિલિયન છે, જે 2022માં ન્યુઝીલેન્ડમાં યોજાયેલા છેલ્લા મહિલા વર્લ્ડ કપના $3.5 મિલિયન કરતા 297 ટકા વધુ છે. આ મહિલા વર્લ્ડ કપની કુલ ઈનામી રકમ ICC મેન્સ વર્લ્ડ કપ 2023ની ઈનામી રકમ કરતાં પણ વધુ છે. તમને જણાવી દઈએ કે 2023ના ODI વર્લ્ડ કપ માટે કુલ ઈનામી રકમ $10 મિલિયન હતી.

રનર અપ અને ટુર્નામેન્ટમાં ભાગ લેનાર ટીમને આટલા કરોડ મળશે

આ વખતે રનર અપ ટીમને $2.24 મિલિયન મળશે. જ્યારે બંને હારેલી સેમિફાઇનલ ટીમોને $1.12 મિલિયન મળશે. ગ્રુપ-સ્ટેજમાં દરેક મેચ જીતનારી ટીમોને $34,314 મળશે. પાંચમા અને છઠ્ઠા ક્રમે રહેનાર ટીમોને $700,000 મળશે, જ્યારે સાતમા અને આઠમા ક્રમે રહેનાર ટીમોને $280,000 મળશે. ટુર્નામેન્ટમાં ભાગ લેનાર દરેક ટીમને $250,000 મળશે.

ઈનામની રકમની જાહેરાત કર્યા પછી જય શાહનું મોટું નિવેદન

ઈનામની રકમની જાહેરાત કરતા, ICC ચેરમેન જય શાહે કહ્યું કે આ જાહેરાત મહિલા ક્રિકેટની સફરમાં એક મોટો સીમાચિહ્નરૂપ છે. ઈનામની રકમમાં આ ચાર ગણો વધારો મહિલા ક્રિકેટ માટે એક ઐતિહાસિક ક્ષણ છે અને તેના લોંગ ટર્મ ગ્રોથ માટે અમારી સ્પષ્ટ પ્રતિબદ્ધતાને દર્શાવે છે. અમારો સંદેશ સરળ છે, મહિલા ક્રિકેટરોને ખબર હોવી જોઈએ કે જો તેઓ આ રમતને વ્યાવસાયિક રીતે આગળ વધારવાનું પસંદ કરે છે તો તેમની સાથે પુરુષોની જેમ સમાન વ્યવહાર કરવામાં આવશે.

મહિલા ODI વર્લ્ડ કપ 30 સપ્ટેમ્બરથી ભારત અને શ્રીલંકામાં શરૂ થવા જઈ રહ્યો છે. ICC મહિલા વર્લ્ડ કપ 2025માં, ટીમ ઈન્ડિયા 30 સપ્ટેમ્બરે શ્રીલંકા સામે પોતાનો પહેલો મુકાબલો રમશે. આ પછી, તેમનો સામનો પાકિસ્તાન સાથે થશે, આ મેચ 5 ઓક્ટોબરે રમાશે. ત્યારબાદ ટીમ ઈન્ડિયા 9 ઓક્ટોબરે દક્ષિણ આફ્રિકા, 12 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા, 19 ઓક્ટોબરે ઈંગ્લેન્ડ, 23 ઓક્ટોબરે ન્યુઝીલેન્ડ અને 26 ઓક્ટોબરે બાંગ્લાદેશનો સામનો કરશે. આ મેચ હાઈબ્રિડ મોડેલ પર રમાશે. પાકિસ્તાન તેની બધી મેચ કોલંબોમાં તટસ્થ સ્થળ પર રમશે. જ્યારે ભારતમાં ટુર્નામેન્ટની મેચો બેંગલુરુ, ઈન્દોર, ગુવાહાટી અને વિશાખાપટ્ટનમમાં રમાશે.