આવતા વર્ષે ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન થવાનું છે. જોકે, હજુ સુધી ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ તેનું શિડ્યૂલ જાહેર કર્યું નથી. આ દરમિયાન ICCએ ગુરુવારે મોટો નિર્ણય લીધો અને આ ટૂર્નામેન્ટની ટ્રોફી પાકિસ્તાન પહોંચી ગઇ છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની પણ જાહેરાત કરી છે. આ ટૂર 16મી નવેમ્બરથી શરૂ થશે.
આ કાર્યક્રમ 16-24 નવેમ્બર દરમિયાન યોજાશે
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ ટ્રોફી ટૂરના કાર્યક્રમની જાહેરાત કરતા કહ્યું કે તે 16 નવેમ્બરથી શરૂ થશે. આ સમયગાળા દરમિયાન યાત્રા સ્કાર્દુ, મરી, હુન્ઝા અને મુઝફ્ફરાબાદ જેવા મનોહર પ્રવાસન સ્થળોની મુલાકાત લેશે. આ ટૂર 16 થી 24 નવેમ્બર સુધી યોજાશે. દરમિયાન, પીસીબીના અધિકારીના જણાવ્યા અનુસાર, ટ્રોફી ટૂર ઉત્તરી પાકિસ્તાનના સ્કાર્દુથી શરૂ થશે. આ પ્રવાસ પાકિસ્તાનના મોટા શહેરોમાંથી પસાર થશે જ્યાં ચેમ્પિયન્સ ટ્રોફીની મેચો રમાવાની છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ કહ્યું છે કે તે સમગ્ર દેશમાં ચેમ્પિયન્સ ટ્રોફી સાથે પ્રવાસ કરશે. જોકે ચેમ્પિયન્સ ટ્રોફીની ટૂરના સ્થળોમાં પાકિસ્તાન-અધિકૃત કાશ્મીર (પીઓકે) ના વિસ્તારોના સમાવેશ કરતા વિવાદ ઉભો થયો છે.
પીસીબીએ એક્સ પર લખ્યું હતું કે તૈયાર થઇ જાવ, પાકિસ્તાન. ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ટ્રોફી ટૂર 16 નવેમ્બરના રોજ ઇસ્લામાબાદમાં શરૂ થશે, જેમાં સ્કાર્દુ, મુરી, હુન્ઝા અને મુઝફ્ફરાબાદ જેવા મનોહર પ્રવાસ સ્થળોની પણ મુલાકાત લેશે".
પીસીબીએ પોતાની પોસ્ટમાં સ્કાર્દુ, હુન્ઝા અને મુઝફ્ફરાબાદનો ચોક્કસ ઉલ્લેખ હતો, જે તમામ પીઓકેમાં છે. પીઓકે એક વિવાદિત પ્રદેશ છે જેના પર ભારત પોતાનો હોવાનો દાવો કરે છે. બીસીસીઆઇએ ચેમ્પિયન્સ ટ્રોફી રમવા માટે ભારતીય ટીમને પાકિસ્તાન મોકલવાનો ઇનકાર કર્યો છે જેના કારણે પીસીબી નારાજ છે.
આ મહિનાની શરૂઆતમાં લાહોરમાં ટ્રોફીનું અનાવરણ થવાનું હતું. પરંતુ ભારતે ICCને જાણ કર્યા બાદ સમારોહ મોકૂફ રાખવામાં આવ્યો હતો કે તે તેની ટીમ પાકિસ્તાન નહીં મોકલે
હાઇબ્રિડ મોડલ પર માંગવામાં આવ્યો છે જવાબ
બીસીસીઆઈએ આઈસીસીને ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન જવાની તેની અસમર્થતા અંગે જાણ કરી છે. તેના જવાબમાં વર્લ્ડ ગવર્નિંગ બોડીએ હાઇબ્રિડ મોડલમાં ટૂર્નામેન્ટનું આયોજન કરવા પર PCB પાસેથી જવાબ માંગ્યો છે. ગયા વર્ષના એશિયા કપ દરમિયાન ભારતની મેચો હાઇબ્રિડ મોડલ પ્રમાણે શ્રીલંકામાં યોજાઈ હતી જ્યારે અન્ય મેચો પાકિસ્તાનમાં રમાઈ હતી.