ICC Cricket World Cup 2023: આઇસીસી વનડે વર્લ્ડકપ 2023 ભારતમાં રમાઇ રહ્યો છે, અને અત્યારે રોહિત શર્માની આગેવાની વાળી ટીમ ઇન્ડિયા આ ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે, અને ટીમ ઇન્ડિયા સેમિફાઇનલમાં પણ પહોંચી ચૂકી છે. પરંતુ આ બધાની વચ્ચે હવે સેમિફાઇનલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાય તેવા સંકેતો મળી રહ્યાં છે. આ વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાન ફરી એકવાર ટકરાશે. આ પહેલા જ્યારે ટીમ ઈન્ડિયા ODI વર્લ્ડકપ 2011ની ફાઇનલમાં પહોંચી હતી ત્યારે સેમિફાઇનલમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું હતું. જાણો અહીં ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડકપની સેમિફાઇનલ મેચ કેવી રીતે રમાઇ શકે છે.... 


ભારતીય ટીમે હાલમાં 8 માંથી તમામ 8 મેચ જીતી છે, અને 16 પૉઈન્ટ સાથે પૉઈન્ટ ટેબલમાં ટોચ પર બેઠી છે, જ્યાંથી હવે કોઈ અન્ય ટીમ તેને હટાવી શકશે નહીં, કારણ કે કોઈપણ ટીમ 16 પૉઈન્ટ મેળવી શકશે નહીં. આવામાં ટીમ ઈન્ડિયા પૉઈન્ટ ટેબલમાં ટોપ પર એટલે કે નંબર-1 પર રહેશે તે નક્કી છે. વળી, સેમિફાઇનલમાં નંબર-1 ટીમનો મુકાબલો નંબર-4 ટીમ સાથે થશે, જ્યારે નંબર-2 ટીમની સેમિફાઇનલ મેચ નંબર-3 ટીમ સાથે થશે, મતલબ કે એ નક્કી થઈ ગયું છે કે ભારતની સેમિ ફાઈનલ મેચ નંબર-4 ટીમ સાથે થશે.


ભારત અને પાકિસ્તાન વચ્ચે કેવી રીતે રમાશે સેમિ ફાઇનલ મેચ ?
હવે સવાલ એ છે કે કઈ ટીમ નંબર-4 પર રહી શકે છે. હાલમાં ન્યૂઝીલેન્ડની ટીમ નંબર-4 પર છે, જેના 8 પૉઈન્ટ છે. પાકિસ્તાન નંબર-5 પર છે, અને તેના પણ 8 પૉઈન્ટ છે, પરંતુ નેટ રન રેટ ન્યૂઝીલેન્ડ કરતા ખુબ ઓછો છે, જે તેના માટે ચિંતાનો વિષય છે. વળી, અફઘાનિસ્તાનની ટીમ નંબર-6 પર હાજર છે, અને તેની પાસે પણ 8 પૉઈન્ટ ઉપલબ્ધ છે, જ્યારે તેણે હજુ લીગ તબક્કાની બે બાકીની મેચ રમવાની છે. આવામાં જો અફઘાનિસ્તાન તેની બંને મેચ જીતી જશે તો પાકિસ્તાન સેમિફાઇનલમાં પ્રવેશ કરી શકશે નહીં.


વળી, જો અફઘાનિસ્તાન બેમાંથી એક મેચ જીતે છે, અથવા બંને હારે છે, અને ન્યૂઝીલેન્ડ તેની બાકી રહેલી એકમાત્ર મેચમાં શ્રીલંકા સામે હારી જાય છે, અને પાકિસ્તાન તેની છેલ્લી લીગ મેચમાં ઈંગ્લેન્ડને હરાવશે, તો પાકિસ્તાન સેમિફાઈનલમાં પહોંચી શકે છે. છે. જો આમ થશે તો ચોક્કસપણે પાકિસ્તાનની ટીમ નંબર-4 પર પહોંચી જશે, અને પછી તેની સેમિફાઇનલ મેચ ભારત સામે થશે.