ICC Cricket World Cup 2023: ભારતીય ક્રિકેટ ચાહકોની રાહ હવે પૂરી થવા જઈ રહી છે. વર્લ્ડ કપ શરૂ થયાને ત્રણ દિવસ વીતી ગયા છે, પરંતુ ભારતે હજુ સુધી તેનું વર્લ્ડ કપ અભિયાન શરૂ કર્યું નથી. ભારતની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે 8 ઓક્ટોબરે ચેન્નાઈમાં રમાશે. આવી સ્થિતિમાં, ભારત અને ઓસ્ટ્રેલિયા તેમજ સમગ્ર વિશ્વના ક્રિકેટ ચાહકો માટે ચેન્નાઈના હવામાનની સ્થિતિ જાણવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.
ચેન્નાઈમાં આજે હવામાન કેવું રહેશે?
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચેન્નાઈની M.A ચિદમ્બરમ સ્ટેડિયમમાં યોજાનારી વર્લ્ડ કપ મેચના એક દિવસ પહેલા 7 ઓક્ટોબર શનિવારના રોજ ચેન્નાઈના ઘણા ભાગોમાં ભારે વરસાદ પડ્યો હતો. તે જ સમયે, સ્ટેડિયમની આસપાસ વાદળો પણ હતા. ચેન્નાઈમાં છેલ્લા એક સપ્તાહથી અવાર-નવાર વરસાદ પડી રહ્યો છે. જો કે, હવામાનની આગાહી દર્શાવે છે કે રવિવારની રમત પર વરસાદની અસર થવાની સંભાવના નથી. રવિવારે હવામાન મોટે ભાગે સ્વચ્છ રહેવાની ધારણા છે. તાપમાન 27 થી 31 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની ધારણા છે. આ મેચ બપોરે 2 વાગ્યે શરૂ થશે અને તે સમયે વરસાદની સંભાવના માત્ર 8 ટકા છે.
જો કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વિસ્ફોટક મેચની અપેક્ષા છે. તાજેતરમાં જ આ બંને ટીમો વચ્ચે 3 મેચની વનડે શ્રેણી રમાઈ હતી, જેમાં ભારતે 2-1થી જીત મેળવી હતી. તે જ સમયે, ઓસ્ટ્રેલિયા ચેન્નાઈમાં અત્યાર સુધીમાં કુલ 6 ODI મેચ રમ્યું છે, જેમાં તેણે 5 જીતી છે અને માત્ર 1 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે ચેન્નાઈમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 ODI મેચ રમાઈ છે, જેમાં ઓસ્ટ્રેલિયા 2 અને ભારત માત્ર 1 મેચ જીત્યું છે. હવે જોવાનું એ રહે છે કે આજે યોજાનારી આ વર્લ્ડ કપ મેચમાં શું થાય છે.
પિચ કેવી રહેશે?
ચેપોકમાં હંમેશા સ્પિનરોનો દબદબો રહ્યો છે. આ વખતે પણ સ્થિતિ બહુ જુદી નહીં હોય. અહીં પણ બેટ્સમેનો માટે ઘણું બધું હશે. અહીં છેલ્લી આઠ મેચોમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમે 227 થી 299ની વચ્ચે રન બનાવ્યા છે. એટલે કે બેટ અને બોલ વચ્ચે સમાન સંઘર્ષ છે. ઉત્તર-પૂર્વ ચોમાસાને કારણે આજે અહીં હળવો વરસાદ પડી શકે છે.
લાઇવ ટેલિકાસ્ટ, સ્ટ્રિમિંગ ક્યાં જોઈ શકાશે
ક્રિકેટ ચાહકો આ મેચ તમામ સ્ટાર સ્પોર્ટ્સ ચેનલો જેમ કે સ્ટાર સ્પોર્ટ્સ 1, સ્ટાર સ્પોર્ટ્સ એચડી, સ્ટાર સ્પોર્ટ્સ હિન્દી અને સ્ટાર સ્પોર્ટ્સ ચેનલો પર તમામ પ્રાદેશિક ભાષાઓમાં જોઈ શકશે. આ સિવાય જો તમે તમારા મોબાઈલ ફોન પર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની આ શાનદાર મેચનો આનંદ માણવા માંગતા હોવ તો તમારે તમારા ફોનમાં Disney Plus Hotstar એપ ડાઉનલોડ કરવી પડશે. આ એપમાં મેચ જોવા માટે તમારે એક રૂપિયો સબસ્ક્રિપ્શન ચાર્જ ચૂકવવો પડશે નહીં. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની આ વર્લ્ડ કપ મેચ તમે બિલકુલ ફ્રીમાં જોઈ શકશો. આ સિવાય જો તમારે આ મેચની કોમેન્ટ્રી સાંભળવી હોય તો તમારે ઓલ ઈન્ડિયા રેડિયોની ચેનલ પ્રસાર ભારતી પર જવું પડશે, જ્યાં તમે રેડિયો પર આ મેચની કોમેન્ટ્રી સાંભળી શકશો.