ICC Mens T20 World Cup 2024 Ambassador: T20 પ્રેમીઓ માટે, ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2024 જૂન મહિનામાં શરૂ થવા જઈ રહ્યો છે. ભારતીય ક્રિકેટ ચાહકો માટે વધુ એક સારા સમાચાર છે. ICCએ આ ટુર્નામેન્ટ માટે એક ભારતીય બેટ્સમેનને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પસંદ કર્યો છે. જે પછી ચાહકો તેમણે T20 વર્લ્ડ કપમાં તેણે 6 બોલમાં ફટકારેલી 6 સિક્સર યાદ કરી રહ્યા છે.


 




કોણ છે તે મહાન ભારતીય બેટ્સમેન?
ભારતીય ક્રિકેટ દિગ્ગજ યુવરાજ સિંહને T20 વર્લ્ડ કપ 2024ના સત્તાવાર બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પસંદ કરવામાં આવ્યો છે. હવે ટૂર્નામેન્ટ શરૂ થવામાં માત્ર 36 દિવસ બાકી છે અને આ દરમિયાન યુવરાજ અમેરિકામાં યોજાનાર અનેક પ્રમોશનલ પ્રોગ્રામમાં ભાગ લઈને રંગ જમાવશે. એમ્બેસેડર તરીકે યુવરાજ સિંહ અમેરિકામાં યોજાનાર ઘણા પ્રમોશનલ પ્રોગ્રામમાં ભાગ લેશે. ખાસ કરીને 9 જૂને ન્યૂયોર્કમાં યોજાનારી ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન તેની હાજરી ક્રિકેટ પ્રેમીઓને રોમાંચિત કરશે.


ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ આ જાહેરાત કરી છે. તમને જણાવી દઈએ કે ક્રિકેટ પ્રેમીઓ ખાસ કરીને યુવરાજને 2007 T20 વર્લ્ડ કપમાં એક ઓવરમાં ફટકારેલા છ છગ્ગા માટે યાદ કરે છે. તે જ વર્ષે ભારતે વર્લ્ડ કપ ટ્રોફી જીતી હતી.


યુવરાજ સિંહે ખુશી વ્યક્ત કરી હતી
પોતાની ખુશી વ્યક્ત કરતા યુવરાજ સિંહે કહ્યું, ટી20 વર્લ્ડ કપ મારી ક્રિકેટ કારકિર્દીની સૌથી યાદગાર ઘટનાઓમાંથી એક છે. એક ઓવરમાં છ સિક્સર મારવી એ પણ તેનો એક ભાગ હતો. આ વખતે પણ હું આ ટુર્નામેન્ટનો ભાગ બનીને ખૂબ જ ખુશ છું. આને અત્યાર સુધીનો સૌથી મોટો T20 વર્લ્ડ કપ માનવામાં આવી રહ્યો છે.


તેણે વધુમાં કહ્યું કે, વેસ્ટ ઈન્ડિઝમાં ક્રિકેટનું વાતાવરણ અદ્ભુત છે. અમેરિકામાં પણ ક્રિકેટ વધુને વધુ લોકપ્રિય થઈ રહ્યું છે. આ ટૂર્નામેન્ટ દ્વારા ત્યાં ક્રિકેટને પ્રોત્સાહન આપવામાં સામેલ થવું મારા માટે ગર્વની વાત છે. યુવરાજ સિંહે વધુમાં કહ્યું કે ન્યૂયોર્કમાં ભારત-પાકિસ્તાનની મેચ વિશ્વની સૌથી મોટી સ્પોર્ટ્સ મેચોમાંની એક હશે. આ ઐતિહાસિક મેચનો હિસ્સો બનવું અને નવા સ્ટેડિયમમાં વિશ્વના શ્રેષ્ઠ ખેલાડીઓને રમતા જોવું એ મારા માટે સૌભાગ્યની વાત છે.


આઈસીસીના જનરલ મેનેજરે યુવરાજની સિક્સરને યાદ કરી
ICC માર્કેટિંગ હેડ ક્લેર ફર્લોંગે કહ્યું કે, યુવરાજ સિંહને T20 વર્લ્ડ કપનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવવો અમારા માટે સન્માનની વાત છે. તે T20 વર્લ્ડ કપનો પ્રતિક બની ગયો છે. 2007 માં, તેણે એક ઓવરમાં સતત છ છગ્ગા ફટકારીને આ ટુર્નામેન્ટની સૌથી યાદગાર ક્ષણ બનાવી. ક્રિસ ગેલ અને યુસૈન બોલ્ટ આ ટૂર્નામેન્ટના પ્રથમ જાહેર કરાયેલા બ્રાન્ડ એમ્બેસેડર છે, આ બધાના ઉમેરા સાથે, આ અત્યાર સુધીનો સૌથી વિસ્ફોટક T20 વર્લ્ડ કપ બનવા જઈ રહ્યો છે.