ICC ODI Ranking: ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને સીનિયર બેટ્સમેન રોહિત શર્માએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ(ICC)ની વનડે બેટ્સમેનોની રેન્કીંગમાં ક્રમશ: પ્રથમ અને બીજુ સ્થાન જાળવી રાખ્યું છે. જ્યારે બોલરોની યાદીમાં ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ત્રીજા ક્રમે છે.

કોહલીએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પોતાની અંતિમ બે વનડેમાં 89 અને 63 રન બનાવ્યા હતા. તેના 870 પોઈન્ટ છે. જ્યારે રોહિત ઈજાના કારણે ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન વનડે અને ટી20 સીરિઝમાં નહોતો રમ્યો. તે કોરોના મહામારી બાદ શરુ થયેલી એક પણ વનડે રમ્યો નથી. પરંતુ પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ(837)થી પાંચ પોઈન્ટ ઉપર બીજા ક્રમે યથાવત છે. ન્યૂઝીલેન્ડના રોસ ટેલર(818) અને ઓસ્ટ્રેલિયાના કેપ્ટન આરોન ફિંચ(791) બેટ્સમેનની યાદીમાં ટોપ 5માં અન્ય ખેલાડી છે.

બોલરોની યાદીમાં બુમરાહ સર્વશ્રેષ્ઠ ભારતીય છે. જે 700 પોઈન્ટ સાથે ત્રીજા નંબરે છે. ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર ટ્રેન્ડ બોલ્ટ (722) અને અફઘાનિસ્તાનના સ્પિનર મુઝીબ ઉર રહેમાન (701) ક્રમશ: પ્રથમ અને બીજા ક્રમે છે.



બાંગ્લાદેશના સ્પિનર મેહદી હસન મિરાજને નવ ક્રમનો ફાયદો થયો છે અને તે ચૌથા ક્રમે પહોંચી ગયો છે. તાજેતરમાં સમાપ્ત થયેલી વેસ્ટઈન્ડીઝ વિરુધ સૌથી સફળ બોલર રહ્યો હતો. તેણે સાત વિકેટ ઝડપી હતી. બાંગ્લાદેશના ફાસ્ટ બોલર મુસ્તફિજુર રહેમાન પણ 19માંથી આઠમાં સ્થાને પહોંચી ગયો છે.