T20 World Cup: ટી20 વર્લ્ડ કપ 2024ની 29મી મેચમાં અફઘાનિસ્તાને પાપુઆ ન્યુ ગિની (PNG)ને સાત વિકેટે હરાવ્યું છે. આ મેચ ત્રિનિદાદના બ્રાયન લારા સ્ટેડિયમમાં રમાઈ હતી. અફઘાનિસ્તાનના કેપ્ટન રાશિદ ખાને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પાપુઆ ન્યુ ગિનીની ટીમ 19.5 ઓવરમાં 95 રનમાં સમેટાઈ ગઈ હતી. જવાબમાં અફઘાનિસ્તાને 15.1 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. અફઘાનિસ્તાનની જીત સાથે ન્યૂઝીલેન્ડની ટીમ વર્લ્ડકપમાંથી બહાર થઇ ગઇ છે. અફઘાનિસ્તાનની ટીમ ગ્રુપ સીમાંથી સુપર-8માં પહોંચનારી બીજી ટીમ બની છે. વેસ્ટ ઈન્ડિઝની ટીમ આ ગ્રુપમાંથી ક્વોલિફાઈ થઈ ચૂકી છે. ન્યૂઝીલેન્ડની યાત્રા અહીં સમાપ્ત થઈ ગઇ હતી.


પ્રથમ બેટિંગ કરતા પાપુઆ ન્યુ ગિનીની શરૂઆત ખરાબ રહી હતી. કેપ્ટન અસદ વાલા ત્રણ રન બનાવીને આઉટ થયો હતો અને ટોની ઉરા 11 રન બનાવીને આઉટ થયો હતો. લેગા સિયાકા અને સેસે બાઉ ખાતુ પણ ખોલાવી શક્યા નહોતા. હીરી હીરી એક રન બનાવીને નવીન ઉલ હકનો શિકાર બન્યો હતો. આ પછી ચૈડ સોપર (9 રન) અને નોર્મન વાનુઆ (0) પણ કંઈ ખાસ કરી શક્યા ન હતા. બંને રન આઉટ થયા હતા. કિપલિન ડોરિગા 27 રન બનાવી શક્યો હતો. જ્યારે સેમો કામિયાએ બે રન બનાવ્યા હતા. જોન કારીકો ચાર રન બનાવીને અણનમ રહ્યો હતો. અફઘાનિસ્તાન તરફથી ફઝલહક ફારૂકીએ સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી. જ્યારે નવીન ઉલ હકને બે વિકેટ મળી હતી. નૂર અહેમદને એક વિકેટ મળી હતી.


ટી-20 વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાનની ટીમ ગ્રુપ સીમાં છે. આ ગ્રુપમાં વેસ્ટ ઈન્ડિઝ, ન્યૂઝીલેન્ડ, પાપુઆ ન્યુ ગીની અને યુગાન્ડાની ટીમો પણ છે. વેસ્ટ ઈન્ડિઝ અને અફઘાનિસ્તાને ટુર્નામેન્ટમાં ત્રણ-ત્રણ મેચ જીતીને સુપર-8માં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. યુગાન્ડાના 3 મેચમાં 2 પોઈન્ટ છે. પાપુઆ ન્યુ ગિની તેની ત્રણેય મેચ હારી ચૂક્યું છે. ન્યુઝીલેન્ડની હજુ 2 મેચ બાકી છે, પરંતુ તેનાથી ગ્રુપ રેન્કિંગ પર કોઈ અસર નહીં થાય. જો ન્યૂઝીલેન્ડ તેની બંને મેચ જીતી જાય તો પણ તે 4 પોઈન્ટથી આગળ નહીં વધી શકે. મતલબ કે તેણે પોતાની બંને મેચ રમીને ઘરે પરત ફરવું પડશે.