Suraya Kumar Yadav Rankings: ઓસ્ટ્રેલિયામાં યોજાનાર ટી20 વર્લ્ડ કપની તૈયારીમાં તમામ ટીમો વ્યસ્ત છે. આ દરમિયાન ICC T20 બેટિંગ રેન્કિંગમાં પણ જોરદાર સ્પર્ધા ચાલી રહી છે. આ સ્પર્ધા ભારતના સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ અને પાકિસ્તાનના વિકેટકીપર બેટ્સમેન રિઝવાન વચ્ચે ચાલી રહી છે. લેટેસ્ટ રેન્કિંગ મુજબ સૂર્યકુમાર યાદવ T20માં નંબર વન બેટ્સમેન બનવાની ખૂબ નજીક પહોંચી ગયો છે. 


સૂર્યા નંબર વન બનવાની નજીક


ભારતનો સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ (Suraya Kumar Yadav)T20માં નંબર વન બેટ્સમેન બનવાની ખૂબ નજીક પહોંચી ગયો છે. તે હાલમાં આ રેન્કિંગમાં બીજા સ્થાને છે. તો, પાકિસ્તાનનો વિકેટ કીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાન T20 બેટિંગ રેન્કિંગમાં પ્રથમ સ્થાન પર છે. જોકે, સૂર્યકુમાર યાદવ રિઝવાનથી માત્ર 16 પોઈન્ટ પાછળ છે. સૂર્યકુમાર યાદવના હાલમાં T20 બેટિંગ રેન્કિંગમાં 838 રેટિંગ પોઈન્ટ છે. રિઝવાનના 854 રેટિંગ પોઈન્ટ છે. આમ સૂર્યકુમાર યાદવ રિઝવાનથી માત્ર 16 પોઈન્ટ પાછળ છે.


સૂર્યકુમાર અને રિઝવાન છે ફોર્મમાંઃ


સૂર્યકુમાર યાદવે તાજેતરમાં સમાપ્ત થયેલી દક્ષિણ આફ્રિકા સામેની T20 સિરીઝની ત્રણ મેચમાં 119 રન બનાવ્યા હતા. તે અત્યારે શાનદાર ફોર્મમાં રમી રહ્યો છે. સૂર્યકુમારના શાનદાર ફોર્મને જોતાં રેન્કિંગની આ લડાઈ ટી-20 વર્લ્ડ કપમાં પણ ક્રિકેટ ચાહકોને જોવા મળશે. બીજી તરફ પાકિસ્તાનનો વિકેટ કીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાન પણ આ સમયે શાનદાર ફોર્મમાં છે. તેણે ઈંગ્લેન્ડ સામે તાજેતરમાં સમાપ્ત થયેલી T20 શ્રેણીની 6 મેચમાં 316 રન બનાવ્યા હતા. આ સ્થિતિમાં બંનેના ફોર્મને જોતા નંબર વનની આ લડાઈ ઘણી રોમાંચક બની રહેશે અને શું સૂર્યકુમાર યાદવ નંબર વન બની શકે છે કે નહી તે પણ જાણવા મળશે.


સુર્યાએ દિનેશ કાર્તિક પર ફની રિએક્શન આપ્યુંઃ


ટીમ ઈન્ડિયાના આક્રમક બેટ્સમેન સૂર્યકુમાર યાદવે ઈન્દોર T20માં દિનેશ કાર્તિકની વિસ્ફોટક ઈનિંગ પર ફની પ્રતિક્રિયા આપી હતી. તેણે કહ્યું છે કે, દિનેશ કાર્તિક જે રીતે તોફાની બેટિંગ કરે છે તે જોઈને મને મારું ટીમના બેટિંગ ઓર્ડરમાં નંબર-4નું સ્થાન જોખમમાં હોય તેવું લાગી રહ્યું છે. સૂર્યકુમાર યાદવે આફ્રિકા સામેની ટી20 સિરીઝમાં 'પ્લેયર ઓફ ધ સિરીઝ' એવોર્ડ જીત્યો ત્યારે કાર્તિક વિશે આ ફની કોમેન્ટ કરી હતી.