મહિલા T20 વર્લ્ડકપમાં ભારતીય મહિલા ટીમ ઈંગ્લેન્ડ સામેની રોમાંચક મેચમાં હારી ગઈ છે. ટીમ ઈન્ડિયા છેલ્લા બોલ સુધી લડતી રહી અને રિચા ઘોષે પોતાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો પરંતુ ઇગ્લેન્ડે 11 રનથી જીત મેળવી હતી. પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડે 7 વિકેટે 151 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમ 5 વિકેટે 140 રન બનાવી શકી હતી. ભારત તરફથી વાઈસ કેપ્ટન સ્મૃતિ મંધાનાએ સૌથી વધુ 52 રન બનાવ્યા જ્યારે રિચા ઘોષે અણનમ 47 રન બનાવ્યા હતા. ભારતીય બોલર રેણુકા સિંહે 5 વિકેટ ઝડપી હતી.






આ મેચમાં ઈંગ્લેન્ડ તરફથી નેટ સાયવરે  સૌથી વધુ 50 રન બનાવ્યા હતા. તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી હતી.  આ ટૂર્નામેન્ટમાં ઈંગ્લેન્ડની સતત ત્રીજી જીત છે. આ પહેલા તેણે વેસ્ટ ઈન્ડિઝ અને આયરલેન્ડની ટીમને હરાવી હતી. ઈંગ્લેન્ડ ગ્રુપમાં તેની છેલ્લી મેચ 21 ફેબ્રુઆરીએ પાકિસ્તાન સામે રમશે. પોઈન્ટ ટેબલની વાત કરીએ તો ઈંગ્લેન્ડ ત્રણ મેચમાંથી ત્રણ જીત સાથે ટોપ પર છે. તેની પાસે છ પોઇન્ટ્સ  છે. ભારત ત્રણ મેચમાં બે જીત સાથે બીજા સ્થાને છે. તેના ચાર પોઇન્ટ્સ છે. પાકિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝની ટીમો અનુક્રમે ત્રીજા અને ચોથા સ્થાને છે. બંનેને બે-બે પોઇન્ટ્સ છે. આરલેન્ડ ત્રણમાંથી ત્રણેય મેચ હારી ચૂક્યું છે.


ભારતીય ટીમની ખરાબ શરૂઆત, શેફાલી સસ્તામાં આઉટ


152 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાની શરૂઆત સારી રહી ન હતી અને શેફાલી વર્મા માત્ર 8 રન બનાવીને આઉટ થઇ હતી. આ પછી જેમિમા રોડ્રિગ્સે પણ 13 રન બનાવ્યા હતા. તેને સારાહ ગ્લેને આઉટ કરી હતી. બીજા છેડે સ્મૃતિ મંધાના સતત રન બનાવી રહી હતી. કેપ્ટન હરમનપ્રીત કૌર કંઈ ખાસ કરી શકી ન હતી અને 6 બોલમાં 4 રન બનાવીને સોફી એક્લેસ્ટોનનો શિકાર બની હતી.






રેણુકા સિંહની પાંચ વિકેટ


ભારતે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. મધ્યમ ઝડપી બોલર રેણુકા સિંઘે પાંચ વિકેટ ઝડપી પોતાનું સર્વશ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન કર્યું હતુ. રેણુકા મહિલા T20 વર્લ્ડ કપમાં ભારત માટે એક ઇનિંગ્સમાં 5 વિકેટ લેનારી બીજી બોલર બની હતી. તેણે શરૂઆતમાં વિકેટ ઝડપી હતી.રેણુકાએ ઈનિંગના ત્રીજા બોલ પર ડેની વોટને આઉટ કરી હતી. બાદમાં આગામી બે ઓવરમાં બે વિકેટ લઇને ઇગ્લેન્ડના ટોપ ઓર્ડરને પેવેલિયન ભેગો કરી દીધો હતો. રેણુકાએ ત્રીજી ઓવરમાં એલિસ કેપ્સને આઉટ કરી અને તે પછીની ઓવરમાં સોફી ડંકલીની વિકેટ લીધી હતી. જેનાથી ઇંગ્લેન્ડે 4.4 ઓવરમાં 29 રન બનાવવામાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી.






સાયવરે અડધી સદી ફટકારી હતી


આ પછી નેટ સાયવર બ્રન્ટ અને કેપ્ટન હીથર નાઈટ (28 રન) એ સ્થિતિ સંભાળી હતી. બંનેએ માત્ર 38 બોલમાં 51 રનની ભાગીદારી રમીને ઈંગ્લેન્ડની ઈનિંગ્સને મજબૂત બનાવી હતી. જ્યારે આ ભાગીદારી ખતરનાક દેખાઈ રહી હતી ત્યારે જ શિખા પાંડેએ ભારતને મહત્વની વિકેટ અપાવી હતી.  સાયવર 42 બોલમાં 50 રન બનાવી આઉટ થઇ હતી.