સિડની: ICC Women’s T20 World Cup 2020માં ભારતનો ફાઈનલ મુકાબલો સાર વખત વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઓસ્ટ્રેલિયા વચ્ચે થશે. વર્લ્ડકપની ફાઈનલ મેચ 8 માર્ચે મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાશે.

બીજી સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ વરસાદથી પ્રભાવિત મેચમાં દક્ષિણ આફ્રિકાને DLSના નિયમથી 5 રનથી હરાવ્યું હતુ અને છઠ્ઠી વખત ટી20 વર્લ્ડકપ ફાઈનલમાં સ્થાન મેળવ્યું છે. આ પહેલા ભારતની ટીમ મેચ રમ્યા વગર જ ફાઈનલમાં પહોંચી ગઈ છે.

વરસાદના કારણે ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચને મેચમાં ઓવરોમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાની ટીમ 20 ઓવર્સમાં 5 વિકેટે 133 રન બનાવ્યા હતા. પરંતુ પ્રથમ ઈનિંગ બાદ વરસાદ પડતા ઓવર્સમાં ઘટાડો કરી ડકવર્થ લુઈસ નિયમ પ્રમાણે દક્ષિણ આફ્રિકાને 13 ઓવરમાં 98 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જેને જવાબમાં આફ્રિકાની ટીમ પાંચ વિકેટ ગુમાવી 13 ઓવરમાં 92 રન જ બનાવી શકી હતી.

સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ સેમીફાઈનલમાં પડેલા વરસાદના કારણે એક પણ બોલ ફેંકાયા વગર મેચ રદ્દ કરી દેવામાં આવી હતી. જેના કારણે ભારતનો સીધો જ ફાઈનલમાં પ્રવેશ થયો હતો. ભારતીય મહિલા ટીમ છેલ્લી સાત ટુર્નામેન્ટમાં ક્યારેય ફાઇનલમાં પહોંચી શકી નથી. પરંતુ આ વખતે શાનદાર પ્રદર્શન બાદ વરસાદના કારણે મેચ રદ્દ થતાં ફાઇનલમાં પહોંચીને ઈતિહાસ રચ્યો હતો.


ઉલ્લેખનીય છે કે, આઈસીસીએ સેમીફાઈનલ અને ફાઈનલ માટે કોઈ રિઝર્વ ડે રાખ્યો નથી. ઓસ્ટ્રેલિયાએ રિઝર્વ ડે ની માંગ કરી હતી પરંતુ તેને નકારી દેવામાં આવે હતી.

ગ્રુપ સ્ટેજમાં ભારતીય મહિલા ટીમની પાસે 8 પૉઇન્ટ હતા, જ્યારે ઇંગ્લન્ડ મહિલા ટીમ પાસે 6 પૉઇન્ટ જ હતા. ગ્રુપ સ્ટેજમાં જેને વધારે પૉઇન્ટ હોય તેને મેચ રદ્દ થવાનો ફાયદો મળે છે. આ ગણિતના આધારે ટીમ ઇન્ડિયા સીધી ટી20 વર્લ્ડકપની ફાઇનલમાં પહોંચી હતી.