ઓસ્ટ્રેલિયાનો ફરી એકવાર ICC મહિલા વર્લ્ડ કપ 2025માં દબદબો જોવા મળ્યો હતો. ઓસ્ટ્રેલિયા ઇંગ્લેન્ડ સામેની મેચ 6 વિકેટથી જીતીને પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગયું હતું. આ મેચમાં બંને ટીમો પાસે ટેબલ ટોપર બનવાની તક હતી, પરંતુ ઇંગ્લેન્ડને એકતરફી હારનો સામનો કરવો પડ્યો. ઓસ્ટ્રેલિયા માટે એનાબેલ સધરલેન્ડ અને એશ્લે ગાર્ડનરે મેચવિનિંગ ઇનિંગ્સ રમી હતી.
ઇંગ્લેન્ડ 244 રનમાં ઓલઆઉટ
ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો, જેના કારણે ઇંગ્લેન્ડ મોટો સ્કોર કરી શક્યું નહીં. ઇંગ્લેન્ડ 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને માત્ર 244 રન જ બનાવી શક્યું હતું. ઓપનર ટેમી બ્યૂમોન્ટે 10 ચોગ્ગા અને 1 છગ્ગા સહિત 78 રનની મહત્વપૂર્ણ ઇનિંગ્સ રમી હતી. જોકે, તેણીને અન્ય બેટ્સમેનોનો સાથ મળ્યો ન હતો. તે સિવાય એલિસ કેપ્સીએ 38 અને ચાર્લી ડીને 26 રન બનાવ્યા હતા. હીથર નાઈટ, જેણે અગાઉની મેચમાં સદી ફટકારી હતી, તે ફક્ત 20 રન જ કરી શકી હતી.
બીજી બાજુ, એનાબેલ સધરલેન્ડ મેચમાં ઓસ્ટ્રેલિયાની સૌથી સફળ બોલર હતી. તેણીએ 10 ઓવરમાં 60 રન આપીને ૩ વિકેટ લીધી હતી. સોફી મોલિન્યૂક્સ અને એશ્લે ગાર્ડનરએ 2-2 વિકેટ લીધી હતી. અલાના કિંગે 10 ઓવરમાં 20 રન આપીને એક વિકેટ ઝડપી હતી.
એનાબેલ સધરલેન્ડ અને એશ્લે ગાર્ડનરની શાનદાર ઇનિંગ્સ
245 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાની શરૂઆત નબળી રહી હતી. તેઓએ પોતાની પહેલી વિકેટ માત્ર 2 રનમાં ગુમાવી દીધી. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાએ ત્રણ ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને 68 રનનો સ્કોર બનાવ્યો હતો. જોકે, એનાબેલ સધરલેન્ડ અને એશ્લે ગાર્ડનર વચ્ચે મેચ વિનિંગ પાર્ટનરશીપ થઈ હતી. બંને બેટ્સમેનોએ પાંચમી વિકેટ માટે અણનમ 180 રન ઉમેર્યા, જેનાથી ટીમ 6 વિકેટથી વિજયી બની. એશ્લે ગાર્ડનરએ 73 બોલમાં 104 રનની ઇનિંગ્સ રમી, જેમાં 16 ચોગ્ગાનો સમાવેશ થાય છે.
દરમિયાન, એનાબેલ સધરલેન્ડ 112 બોલમાં 98 રન બનાવીને અણનમ રહી હતી. તેણીએ પોતાની ઇનિંગમાં નવ ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા હતા, જેનાથી ઓસ્ટ્રેલિયાને 40.3 ઓવરમાં લક્ષ્ય સુધી પહોંચવામાં મદદ મળી હતી. જોકે, તેણી પોતાની સદીથી બે રન દૂર રહી ગઈ. જોકે, તેણીના મજબૂત પ્રદર્શન માટે તેણીને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી હતી.