ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની વન-ડે સીરિઝની બીજી મેચ ગુરુવાર, 23 ઓક્ટોબરે એડિલેડના એડિલેડ ઓવલ ખાતે રમાશે. ટીમ ઈન્ડિયા પર્થમાં DLS પદ્ધતિ હેઠળ શ્રેણીની પહેલી મેચ સાત વિકેટથી હારી ગઈ હતી. આ મેચ ભારતીય ટીમ માટે કરો યા મરો જેવી સ્થિતિ છે. આ મેચ સવારે 9:00 વાગ્યે શરૂ થશે.
એડિલેડ વન-ડેમાં બધાની નજર ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પર રહેશે. આ મેદાન પર કોહલીનો એક નોંધપાત્ર રેકોર્ડ છે. કોહલીએ એડિલેડ ઓવલ ખાતે ત્રણેય ફોર્મેટમાં 12 મેચ રમી છે, જેમાં 65ની સરેરાશથી 975 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન, કોહલીએ પાંચ સદી ફટકારી છે. કોહલીએ આ મેદાન પર ચાર વન-ડે મેચ રમી છે, જેમાં 61.00 ની સરેરાશથી 244 રન બનાવ્યા છે અને તેમાં બે સદીનો સમાવેશ થાય છે. હવે, કોહલી ફરી એકવાર તેના મનપસંદ મેદાન પર ધૂમ મચાવવાનો પ્રયાસ કરશે.
વિરાટ કોહલીની જેમ ભારતીય ટીમે પણ એડિલેડ ઓવલ ખાતે શાનદાર પ્રદર્શન કર્યું છે. ભારતે આ મેદાન પર 15 વન-ડે રમી છે, જેમાંથી નવમાં જીત મેળવી છે. તેમણે પાંચ મેચ ગુમાવી હતી, જેમાં એક મેચ ટાઇમાં સમાપ્ત થઈ હતી. ભારતીય ટીમની આ મેદાન પર વન-ડે મેચમાં છેલ્લી હાર 17 ફેબ્રુઆરી, 2008ના રોજ થયો હતો.
આ સિલસિલો 17 વર્ષ સુધી ચાલી રહ્યો છે
ત્યારથી ભારતીય ટીમ એડિલેડ ઓવલ ખાતે એક પણ વન-ડે મેચ હારી નથી. આનો અર્થ એ થયો કે ભારત 17 વર્ષથી આ મેદાન પર વન-ડે આંતરરાષ્ટ્રીય મેચમાં અજેય રહ્યું છે. ભારતીય ટીમે આ સમયગાળા દરમિયાન પાંચ વન-ડે મેચ રમી છે, જેમાં ચારમાં જીત મેળવી છે અને એક ટાઇ રહી છે.
બીજી વન-ડે માટે ભારતીય ટીમની પ્લેઇંગ ઇલેવનમાં એક ફેરફાર થઈ શકે છે. ચાઇનામેન બોલર કુલદીપ યાદવ નીતિશ રેડ્ડી અથવા વોશિંગ્ટન સુંદરનું સ્થાન લઈ શકે છે. દરમિયાન, ઓસ્ટ્રેલિયન ટીમની પ્લેઇંગ ઇલેવનમાં ઓછામાં ઓછા બે ફેરફારની અપેક્ષા છે. વિકેટકીપર એલેક્સ કેરી અને લેગ-સ્પિનર એડમ ઝમ્પા આ મેચમાં રમતા જોવા મળશે. આ બંને અનુક્રમે પ્લેઇંગ ઇલેવનમાં જોશ ફિલિપ અને મેથ્યુ કુહનમેનનું સ્થાન લઈ શકે છે.
એડિલેડ વનડે માટે ઓસ્ટ્રેલિયાની સંભવિત પ્લેઇંગ ઇલેવન
ટ્રેવિસ હેડ, મિશેલ માર્શ (કેપ્ટન), મેથ્યુ શોર્ટ, મેથ્યુ રેનશો, એલેક્સ કેરી (વિકેટકીપર), મિશેલ ઓવેન, કૂપર કોનોલી, મિશેલ સ્ટાર્ક, નાથન એલિસ, એડમ ઝમ્પા અને જોશ હેઝલવુડ.
એડિલેડ વનડે માટે ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન
રોહિત શર્મા, શુભમન ગિલ (કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), અક્ષર પટેલ, નીતિશ કુમાર રેડ્ડી, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, મોહમ્મદ સિરાજ અને અર્શદીપ સિંહ.