ICC tournament changes: આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આગામી સમયમાં મોટા ફેરફારો જોવા મળી શકે છે. મળતા અહેવાલો મુજબ, ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઈ-વોલ્ટેજ મેચમાંથી થતી જંગી કમાણીની લાલચમાં ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) વનડે (ODI) અને T20 વર્લ્ડ કપના ફોર્મેટમાં મોટા ફેરફારો કરવાની તૈયારી કરી રહ્યું છે. જો બધું યોજના મુજબ રહ્યું, તો આગામી ટૂર્નામેન્ટ્સમાં ટીમોની સંખ્યા અને નોકઆઉટ રાઉન્ડ્સમાં ધરખમ ફેરફાર જોવા મળશે.
વનડે વર્લ્ડ કપમાં ટીમોની સંખ્યા ઘટશે?
વર્ષ 2023 ના વર્લ્ડ કપમાં કુલ 10 ટીમોએ ભાગ લીધો હતો. આ પછી ICC એ અગાઉ એવી જાહેરાત કરી હતી કે આગામી 2027 વર્લ્ડ કપ (જે દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયામાં રમાવાનો છે) માટે ટીમોની સંખ્યા વધારીને 14 કરવામાં આવશે. પરંતુ, તાજેતરના અહેવાલો મુજબ, ICC આ નિર્ણય પર પુનર્વિચાર કરી રહ્યું છે અને વનડે વર્લ્ડ કપમાં ટીમોની સંખ્યા 14 થી ઘટાડીને 12 કરી શકે છે. ભૂતકાળ પર નજર કરીએ તો 2003, 2007, 2011 અને 2015 ના વર્લ્ડ કપમાં 14 કે તેથી વધુ દેશો રમ્યા હતા, જ્યારે 2019 અને 2023 માં માત્ર 10 ટીમો જ મેદાનમાં ઉતરી હતી.
T20 વર્લ્ડ કપમાં નવું ફોર્મેટ: 'સુપર-10' નો વિચાર
વનડેની સાથે સાથે T20 વર્લ્ડ કપના ફોર્મેટની પણ સમીક્ષા થઈ રહી છે. 2024 અને 2026 ના T20 વર્લ્ડ કપમાં 'સુપર-8' સ્ટેજ સામેલ છે, જેને બદલીને 'સુપર-10' સ્ટેજમાં ફેરવવામાં આવી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ફેરફાર પાછળનું મુખ્ય કારણ એ છે કે આનાથી ભારત અને પાકિસ્તાન વચ્ચે વધારાની મેચ રમાવવાની શક્યતાઓ વધી જશે, જે આખરે ICC માટે એક મોટી કમાણીનો સ્ત્રોત સાબિત થશે.
આ પણ વાંચોઃ લાખો ક્રિકેટ ફેન્સના દિલ તૂટ્યા! ઇંગ્લેન્ડ સામેની પ્રથમ વનડેમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી ફ્લોપ
વનડે મેચો 50 ઓવરની જ રહેશે
અત્રે નોંધનીય છે કે, થોડા દિવસો પહેલા એડિનબર્ગમાં યોજાયેલી ICC ની વાર્ષિક બેઠકમાં વનડે ફોર્મેટમાં ઓવરની સંખ્યા 50 થી ઘટાડીને 40 કરવા અંગે પણ વિચારણા થઈ હતી. જોકે, આ મુદ્દે સભ્ય દેશો વચ્ચે સર્વસંમતિ સધાઈ શકી ન હતી. આથી, હાલ પૂરતું આંતરરાષ્ટ્રીય વનડે મેચોમાં એક ઇનિંગ 50 ઓવરની જ યથાવત રહેશે.
આ પણ વાંચોઃ IND vs ENG: પ્રથમ વનડેમાં આવી હશે ભારતની પ્લેઇંગ ઇલેવન! ટીમમાં 7 નવા ખેલાડીઓનો થશે એન્ટ્રી
