India vs England 1st ODI playing 11: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી T20 શ્રેણીમાં 0-4 થી કારમી હારનો સામનો કર્યા બાદ હવે ટીમ ઇન્ડિયા વનડે સીરીઝમાં ઇંગ્લેન્ડ સાથે હિસાબ બરાબર કરવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે. બંને ટીમો વચ્ચે 3 મેચોની વનડે શ્રેણી રમાવાની છે, જેની પહેલી મેચ 14 જુલાઈ એટલે કે મંગળવારના રોજ બર્મિંગહામના એજબેસ્ટન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. T20 શ્રેણીની સરખામણીએ આ વનડે મેચમાં ભારતીય ટીમનું ચિત્ર સંપૂર્ણપણે બદલાયેલું જોવા મળશે, કારણ કે ટીમમાં કુલ 7 દિગ્ગજ ખેલાડીઓની એન્ટ્રી થઈ રહી છે. કેપ્ટન શુભમન ગિલની આગેવાની હેઠળ ભારતીય ટીમ આ મેચ જીતીને શ્રેણીમાં શાનદાર શરૂઆત કરવા માટે સજ્જ છે.
T20 શ્રેણી બાદ વનડે ફોર્મેટમાં જે 7 નવા ખેલાડીઓ એક્શનમાં જોવા મળવાના છે તેમાં રોહિત શર્મા, વિરાટ કોહલી, કેએલ રાહુલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, શુભમન ગિલ અને યુવા બોલર ગુર્નુર બ્રારનો સમાવેશ થાય છે. આ સિનિયર ખેલાડીઓની વાપસીથી ટીમ ઇન્ડિયા પહેલા કરતાં વધુ સંતુલિત અને આક્રમક દેખાઈ રહી છે.
આ પ્રકારનું હશે ભારતનું મજબૂત ટોપ ઓર્ડર
પ્રથમ વનડે મેચમાં ઓપનિંગ જોડી તરીકે હિટમેન રોહિત શર્મા અને કેપ્ટન શુભમન ગિલ ઇનિંગની શરૂઆત કરશે તે વાત બિલકુલ નક્કી છે. આ સિવાય, ક્રિકેટ જગતનો કિંગ વિરાટ કોહલી પોતાના મનપસંદ ત્રીજા ક્રમે બેટિંગ કરવા માટે મેદાનમાં ઉતરશે. મિડલ ઓર્ડરને મજબૂતી આપવા માટે ચોથા નંબર પર ઉપ-કેપ્ટન શ્રેયસ ઐયર અને પાંચમા નંબર પર અનુભવી વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલનું સ્થાન પણ પાકું માનવામાં આવી રહ્યું છે. આ રીતે જોતાં ભારતના ટોચના 5 બેટ્સમેનોની લાઇન-અપ એકદમ મજબૂત દેખાય છે.
આ પણ વાંચોઃ ઇંગ્લેન્ડ સામે નવો ઇતિહાસ લખવા તૈયાર ‘કિંગ કોહલી’, વનડે શ્રેણીમાં તૂટી શકે છે આ 7 મહારેકોર્ડ
ઓલરાઉન્ડર્સ અને સ્પિન વિભાગમાં જોરદાર ટક્કર
નંબર 6 ની પોઝિશન માટે હાર્ડ હીટર શિવમ દુબે અને ઇશાન કિશન વચ્ચે આકરી સ્પર્ધા જોવા મળશે, પરંતુ દુબે બેટિંગની સાથે મીડિયમ પેસ બોલિંગ પણ કરી શકતો હોવાથી તેને પ્લેઇંગ 11 માં સ્થાન મળવાની આશા વધુ છે. તેવી જ રીતે, સાતમા નંબર માટે અક્ષર પટેલ અને વોશિંગ્ટન સુંદર વચ્ચે જંગ જામશે, જેમાંથી કોઈ એક ઓલરાઉન્ડરને જ અંતિમ અગિયારમાં મોકો મળશે. સ્પિન ડિપાર્ટમેન્ટની કમાન ચાઇનામેન બોલર કુલદીપ યાદવના હાથમાં રહેશે, જે આ વનડે સીરીઝમાં ભારતનો મુખ્ય સ્પિનર હશે.
બોલિંગ એટેકમાં નવો એક્સ-ફેક્ટર
ફાસ્ટ બોલિંગની વાત કરીએ તો યોર્કર કિંગ જસપ્રીત બુમરાહ અને ડાબોડી સ્પીડસ્ટર અર્શદીપ સિંહ મોરચો સંભાળશે. આ સિવાય ત્રીજા ફાસ્ટ બોલર તરીકે પંજાબના સાડા છ ફૂટ ઊંચા યુવા બોલર ગુર્નુર બ્રારને ડેબ્યુ કરવાની તક મળી શકે છે. પોતાની અસાધારણ ઊંચાઈના કારણે પિચ પરથી વધારાનો બાઉન્સ મેળવવાની ક્ષમતા ધરાવતો આ યુવા બોલર ઇંગ્લેન્ડની કન્ડિશનમાં ભારત માટે સરપ્રાઈઝ પેકેજ અથવા ટ્રમ્પ કાર્ડ સાબિત થઈ શકે છે.
પ્રથમ વનડે માટે ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન
શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર (ઉપ-કેપ્ટન), કેએલ રાહુલ (વિકેટકીપર), શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર અથવા અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, ગુર્નુર બ્રાર અને અર્શદીપ સિંહ.
