World Test Championship: ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે (International Cricket Counsil) વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં (World Test Championship) મોટા બદલાવ કર્યો છે. આઈસીસીના આ બદલાવ બાદ ડબલ્યૂટીસીમાં જીત પર 12 પોઇન્ટ, ડ્રો પર ચાર પોઇન્ટ અને મેચ ટાઈ થાય તો છ પોઈન્ટ આપવામાં આવશે. તેની સાથે જ આઈસીસીએ જાહેરાત કરી છે કે ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે રમાનારી પાંચ ટેસ્ટ મેચની સીરિઝ સાથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફરીથી શરૂઆત થશે.
આઈસીસીએ (ICC) પહેલા ડબલ્યુટીસીની પોઇન્ટ સિસ્ટમમાં બદલાવ કરવાનો સંકેત આપ્યો હતો. બુધવારે આ બદલાવની સત્તાવાર જાહેરાત કરીને લાગુ કરી દેવામાં આવી છે. આ પહેલા પ્રત્યેક ટેસ્ટ સીરિઝ માટે 120 પોઇન્ટ નક્કી કરવામાં આવ્યા હતા. આ પોઇન્ટ સિસ્ટમની ઘણી આલોચના થઈ હતી.
આ પહેલા ટેસ્ટ ચેમ્પિયનશીપમાં બે ટેસ્ટ મેચની એક સીરિઝમાં એક ટેસ્ટ જીતવા પર ટીમને 60 પોઇન્ટ મળતા હતા, જ્યારે પાંચ ટેસ્ટ મેચની સીરિઝમાં એક મેચ જીતવા પર માત્ર 24 પોઇન્ટ મળતા હતા.
આઈસીસીસીના કાર્યવાહક મુખ્ય કાર્યકારી અધિકારી જ્યોફ અલારડાઈસે કહ્યું કે, ગત વર્ષની પરેશાનીથી પદાર્થ પાઠ લઈને આ બદલાવ પોઇન્ટ્સ ટેબલને સરળ કરવા લાગુ કરાયા છે. અલારડાઈસે આઈસીસીના એક નિવેદનમાં કહ્યું, અમને પ્રતિક્રિયા મળી હતી કે પોઇન્ટ સિસ્ટમને સરળ બનાવવાની જરૂર છે. ક્રિકેટ સમિતિએ પ્રત્યેરક મેચ માટે એક નવા બદલાવ આ કારણે લાગુ કરવામાં આવ્યા છે.
જૂન 2023મા સમાપ્ત થનારી ડબલ્યુટીસીની બીજી સાઇકલમાં પાંચ ટેસ્ટ મેચની માત્ર બે સીરિઝ જ સામેલ છે. જેમાં એક ભારત-ઈંગ્લેન્ડ અને બીજી ઓસ્ટ્રેલિયા-ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારી એશિઝ સીરિઝ છે.
ઓસ્ટ્રેલિયા આગામી વર્ષે ભારત પ્રવાસમાં ચાર ટેસ્ટ મેચ રમશે. આ નવી સાઇકલમાં ચાર મેચની એક માત્ર સીરિઝ હશે. નવ ટેસ્ટ ટીમ કુલ છ-છ સીરિઝ રમશે. તેમાં ગત વખતની જેમ ત્રણ સીરિઝ સ્વદેશ અને ત્રણ વિદેશમાં રમવી પડશે.