IND vs AFG 1st T20I Full Highlights: ભારતીય ટીમે મોહાલીમાં રમાયેલી પ્રથમ T20માં અફઘાનિસ્તાનને 6 વિકેટે હરાવ્યું છે. 159 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયા 17.3 ઓવરમાં જ મેચ જીતી ગઈ હતી. ભારત માટે શિવમ દુબેએ 40 બોલમાં 5 ચોગ્ગા અને 02 છગ્ગાની મદદથી 60* રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ સિવાય જીતે શર્માએ 31 રન બનાવ્યા હતા. આ દરમિયાન મુજીબે અફઘાનિસ્તાન તરફથી સૌથી વધુ 2 વિકેટ ઝડપી હતી.
મેચમાં ભારતે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાને 20 ઓવરમાં 5 વિકેટે 158 રન બનાવ્યા હતા. મોહમ્મદ નબીએ ટીમ માટે 42 રનની સૌથી મોટી ઇનિંગ રમી જેમાં 2 ફોર અને 3 સિક્સ સામેલ હતી. પરંતુ નબીની આ ઇનિંગ ટીમને જીત અપાવી શકી નહીં.
આ રીતે ભારતે જીત હાંસલ કરી
159 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ઈનિંગની પહેલી ઓવરના બીજા બોલ પર કેપ્ટન રોહિત શર્મા ખાતું ખોલાવ્યા વિના રનઆઉટ થયો હતો. ઓપનિંગ પાર્ટનર ગિલ સાથે યોગ્ય તાલમેલ જાળવી ન શકવાને કારણે રોહિત શર્મા રનઆઉટ થયો હતો. ત્યારબાદ બીજી વિકેટ માટે શુભમન ગીલે તિલક વર્મા સાથે 28 રનની ભાગીદારી કરી હતી. પરંતુ ગિલ પણ ક્રિઝ પર વધુ સમય વિતાવી શક્યો ન હતો અને ચોથી ઓવરમાં મુજીબ ઉર રહેમાનનો શિકાર બન્યો હતો. ત્યારબાદ ત્રીજી વિકેટ માટે તિલક વર્મા અને શિવમ દુબેએ 44 રન (29 બોલ)ની ભાગીદારી કરી, જે 9મી ઓવરમાં તિલકની વિકેટ સાથે તૂટી. તિલક વર્માએ 22 બોલમાં 2 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 26 રન બનાવ્યા હતા.
ત્યાર બાદ જીતેશ શર્માએ શાનદાર બેટિંગ કરી હતી અને 20 બોલમાં 31 રન બનાવી આઉટ થયો હતો. જોકે, એક તરફ શિવમ દુબેએ એક છેડો સાચવી રાખ્યો હતો. ત્યાર બાદ બેટિંગ કરતા રિન્કુ સિહ આવ્યો હતો. આમ રિન્કુ અને શિવમ દુબેએ ભારતને જીત અપાવી હતી. રિન્કુ 9 બોલમાં 16 રન અને દુબે 40 બોલમાં 60 રન બનાવી અણનમ રહ્યો હતો.
અફઘાનિસ્તાન પ્લેઇંગ-11
ઈબ્રાહિમ ઝદરાન (કેપ્ટન), રહેમાનુલ્લાહ ગુરબાઝ(વિકેટકીપર), રહમત શાહ, અઝમતુલ્લા ઓમરઝાઈ, મોહમ્મદ નબી, નજીબુલ્લાહ ઝદરાન, કરીમ જનત, ગુલબદ્દીન નઇબ, ફઝલહક ફારૂકી, નવીન ઉલ હક અને મુજીબ ઉર રહેમાન.
ભારત પ્લેઇંગ-11
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, તિલક વર્મા, શિવમ દુબે, જીતેશ શર્મા (વિકેટકીપર), રિંકુ સિંહ, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ અને મુકેશ કુમાર.