IND vs AFG 2nd T20I Match Preview: ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ મેચની ટી-20 શ્રેણીની બીજી મેચ આજે (14 જાન્યુઆરી) સાંજે 7 વાગ્યે રમાશે. ઈન્દોરના હોલકર ક્રિકેટ સ્ટેડિયમમાં બંને ટીમો સામસામે ટકરાશે. આ સીરીઝની પ્રથમ મેચ ટીમ ઈન્ડિયાએ જીતી હતી તેથી અફઘાનિસ્તાન માટે આજની મેચ 'કરો યા મરો' હશે.


જો કે આ મેચમાં પણ ટીમ ઈન્ડિયાની સ્થિતિ મજબૂત દેખાઇ રહી છે. કારણ કે આજ સુધી અફઘાનિસ્તાનની ટીમ ભારતને ટી-20 મેચમાં હરાવી શકી નથી. અફઘાનિસ્તાનની સરખામણીમાં ટીમ ઈન્ડિયા ખૂબ જ મજબૂત દેખાય છે.


ભારત અને અફઘાનિસ્તાનની ટીમો અત્યાર સુધી T20 ઇન્ટરનેશનલમાં 6 વખત ટકરાયા છે. અહીં અફઘાન ટીમ 5 મેચ હારી છે અને એક મેચ અનિર્ણિત રહી છે. અહીં ઈન્દોરની વાત કરીએ તો ભારતીય ટીમ અહીં અત્યાર સુધી ત્રણ T20 ઈન્ટરનેશનલ મેચ રમી ચૂકી છે. અહીં તેણે બે જીત મેળવી છે અને એક મેચમાં હાર મળી છે. ભારતે અહીં શ્રીલંકાને બે મેચમાં હરાવ્યું છે અને દક્ષિણ આફ્રિકા સામે એક મેચ હારી છે.


કેવી હશે પિચ?


ઈન્દોરના હોલકર સ્ટેડિયમની પિચ સપાટ છે, આઉટફિલ્ડ ઝડપી છે અને બાઉન્ડ્રી પણ નાની છે, જેનો અર્થ છે કે આ વિકેટ બેટ્સમેન માટે વધુ મદદરૂપ બની રહી છે. આજે પણ કંઈક આવું જ થવાનું છે. આ મેદાન પર રમાયેલી ત્રણ ટી-20 મેચોમાં બે વખત પ્રથમ બેટિંગ કરનારી ટીમે સવા બસોથી વધુ રન બનાવ્યા છે. આ મેદાન પર T20 ઈન્ટરનેશનલમાં સર્વોચ્ચ સ્કોર 260 રન છે.


વિરાટ કોહલી વાપસી કરશે


ટીમ ઈન્ડિયા આ મેચમાં કેટલાક ફેરફાર કરી શકે છે. વિરાટ કોહલી તિલક વર્માનું સ્થાન લેશે તે લગભગ નિશ્ચિત છે. શુભમનની જગ્યાએ યશસ્વીને તક મળી શકે છે. બોલિંગમાં રવિ બિશ્નોઈની જગ્યાએ કુલદીપને પ્લેઈંગ-11માં જગ્યા મળી શકે છે અને મુકેશની જગ્યાએ આવેશને પ્લેઈંગ-11માં સ્થાન મળી શકે છે. અફઘાન ટીમમાં કોઈ ફેરફારની શક્યતા દેખાતી નથી.


ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની આ મેચનું જીવંત પ્રસારણ સ્પોર્ટ્સ-18 ચેનલ પર કરવામાં આવશે. Jio સિનેમા એપ પર લાઈવ સ્ટ્રીમિંગ ઉપલબ્ધ થશે.


ભારતની સંભવિત પ્લેઈંગ-11


રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ/શુભમન ગિલ, વિરાટ કોહલી, શિવમ દુબે, રિંકુ સિંહ, જીતેશ શર્મા (વિકેટકીપર), અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, કુલદીપ યાદવ/રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ , આવેશ ખાન/મુકેશ કુમાર.


અફઘાનિસ્તાનની સંભવિત પ્લેઈંગ-11


રહમાનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), હઝરતુલ્લાહ ઝઝઈ/રહમત શાહ, ઈબ્રાહીમ ઝદરાન (કેપ્ટન), અઝમતુલ્લાહ ઓમરઝઈ, મોહમ્મદ નબી, નજીબુલ્લાહ ઝાદરાન, કરીમ જન્નત, ગુલબદ્દીન નઇબ, મુજીબ ઉર રહમાન, નવીન ઉલ હક, ફઝલહક ફારૂખી