India vs Afghanistan: એશિયા કપમાં આજે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે મુકાબલો થવાનો છે. આ મેચ સાંજે 7.30 કલાકે શરૂ થવાની છે. જોકે, મેચ પહેલાં દુબઈ સ્ટેડિયમમાં આગ લાગી હોવાના અહેવાલ મળી રહ્યા છે. હાલ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે, પરંતુ તેના કારણે મેચના ટોસમાં વિલંબ થઈ શકે છે.
ભારત અને અફઘાનિસ્તાન બંને એશિયા કપ ફાઈનલની રેસમાંથી બહાર થઈ ગયા છે, તેથી તેમના માટે આ ટૂર્નામેન્ટની છેલ્લી મેચ હશે. બંને ટીમો આજની મેચ જીતની એશિયા કપ 2022માંથી વિદાય લેવાનો પ્રયાસ કરશે.
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે અત્યાર સુધીમાં ત્રણ T20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ છે. ભારતે આ ત્રણેય મેચ જીતી છે. હાલમાં ટીમ ઈન્ડિયા પણ સારા ફોર્મમાં છે, જોકે છેલ્લી બે મેચ હાર્યા બાદ ટીમ ઈન્ડિયાની ઘણી નબળાઈઓ સામે આવી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાનો પ્રયાસ આ ખામીઓને દૂર કરવાનો રહેશે. ટીમ ઈન્ડિયાનું સૌથી વધુ ધ્યાન પરફેક્ટ પ્લેઈંગ-11 તેમજ પરફેક્ટ ગેમ પ્લાનિંગ પર રહેશે. આ બે બાબતોને લઈને ટીમ ઈન્ડિયા પર સૌથી વધુ સવાલો ઉઠી રહ્યા છે.
બીજી તરફ અફઘાનિસ્તાન પણ શાનદાર ફોર્મમાં છે પરંતુ આ ટીમ પણ છેલ્લી બે મેચ હારી ગઈ છે. અફઘાનિસ્તાન પાસે રાશિદ ખાન, મુજીબ ઉર રહેમાન, ફઝલ હક જેવા મજબૂત બોલરો છે, જે કોઈ પણ ટીમને ઓછા સ્કોર પર રોકવામાં સક્ષમ છે. ત્યારે આ ટીમમાં હઝરતુલ્લા ઝાઝાઈ અને રહેમાનુલ્લા ગુરબાઝ જેવા ટી20 ફોર્મેટના નિષ્ણાત બેટ્સમેન પણ છે, જેઓ મોટી ઈનિંગ રમવા માટે સક્ષમ છે.
ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ ઈલેવન: રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, આર અશ્વિન, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ, દીપક ચહર.
અફઘાનિસ્તાન માટે સંભવિત પ્લેઈંગ ઈલેવન: હઝરતુલ્લાહ ઝાઝાઈ, રહેમાનુલ્લાહ ગુરબાઝ (wk), ઈબ્રાહીમ જારદાન, નજીબુલ્લાહ ઝદરાન, કરીમ જનાત, મોહમ્મદ નબી (c), રાશિદ ખાન, અઝમતુલ્લા ઓમરઝાઈ, ફરીદ અહેમદ, મુજીબુર રહેમાન, ફઝલહક ફારૂકી.