Thiruvananthapuram Weather Forecast: ટીમ ઇન્ડિયા અત્યારે ઓસ્ટ્રેલિયન ટીમ સામે ટી20 સીરીઝ રમી રહી છે, આ ટીમના કેપ્ટન તરીકેની જવાબદારી સૂર્યકુમાર યાદવને સોંપવામાં આવી છે, પ્રથમ ટી20માં ભારતીય ટીમ શાનદાર રીતે જીત મેળવી હતી, હવે આજે બન્ને ટીમો બીજી ટી20માં આમને સામને ટકરાશે. ભારતીય ટીમની નજર ઓસ્ટ્રેલિયા સામેની સીરીઝ 2-0ની લીડ કરવા પર છે. આ સાથે જ ઓસ્ટ્રેલિયાની ટીમ સીરીઝમાં બરાબરી કરવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. આ પહેલા ભારતીય ટીમે વિશાખાપટ્ટનમ T20 મેચમાં ઓસ્ટ્રેલિયાને 2 વિકેટે હરાવ્યું હતું. આ સીરીઝની બીજી T20 26 નવેમ્બરે તિરુવનંતપુરમમાં રમાશે. બંને ટીમો વચ્ચેની મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7 વાગ્યે શરૂ થશે, પરંતુ તિરુવનંતપુરમમાં વરસાદ વિલન બનશે? રવિવારે તિરુવનંતપુરમમાં હવામાનની પેટર્ન કેવી રહેશે? જાણો વરસાદ તુટી પડશે કે નહીં ?
શું આજે મેચમાં વરસાદ વિઘ્ન બનશે કે નહીં ?
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રવિવારે તિરુવનંતપુરમમાં વરસાદની સંભાવના અંદાજે 25 ટકા છે. વાસ્તવમાં તિરુવનંતપુરમમાં છેલ્લા કેટલાક દિવસોથી હળવો વરસાદ પડી રહ્યો છે, પરંતુ શું રવિવારે પણ વરસાદ પડશે? જોકે, ક્રિકેટ ચાહકો માટે એક સારા સમાચાર છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ભારત-ઓસ્ટ્રેલિયાની બીજી T20 મેચ દરમિયાન તિરુવનંતપુરમમાં મહત્તમ તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ રહેશે, આ ઉપરાંત આકાશ સ્વચ્છ રહેશે, એટલે કે વરસાદની કોઈ શક્યતા નથી.
લાઇવ સ્ટ્રીમિંગ અને બ્રૉડકાસ્ટિંગ ક્યાં અને ક્યારે જોઇ શકાશે....
ભારતીય ચાહકો સ્પોર્ટ્સ-18 અને કલર્સ સિનેપ્લેક્સ પર ભારત-ઓસ્ટ્રેલિયા સીરીઝ લાઈવ જોઈ શકશે. આ ઉપરાંત ચાહકો Jio સિનેમા એપ અને વેબસાઈટ પર લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકશે. આ પહેલા ટીમ ઈન્ડિયાએ વિશાખાપટ્ટનમ T20 મેચમાં ઓસ્ટ્રેલિયાને 2 વિકેટે હરાવ્યું હતું. પ્રથમ T20 મેચમાં ભારતીય ટીમને 209 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ટીમ ઈન્ડિયાએ 19.5 ઓવરમાં 8 વિકેટે 209 રન બનાવીને મેચ જીતી લીધી હતી. આ રીતે ટીમ ઈન્ડિયા 5 ટી20 મેચની સીરીઝમાં 1-0થી આગળ છે. હવે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાને હરાવી સીરીઝમાં 2-0થી લીડ લેવાના ઈરાદા સાથે તિરુવનંતપુરમમાં મેદાનમાં ઉતરશે.
વોશિંગ્ટન સુંદર અને અવેશ ખાનને તક મળવાની આશા છે
રવિ બિશ્નોઈને નંબર-8 પર તક આપવામાં આવી હતી, જેણે 4 ઓવરમાં 54 રન આપ્યા હતા. આવી સ્થિતિમાં આશા છે કે ટીમ ઈન્ડિયા તેના સ્થાને વોશિંગ્ટન સુંદરને તક આપી શકે છે, જે જમણા હાથની સ્પિન બોલિંગની સાથે નંબર-8 પર સારી બેટિંગ કરવાનો વિકલ્પ પણ આપે છે. આ સિવાય ત્રણ ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ, મુકેશ કુમાર અને પ્રસિદ્ધ કૃષ્ણાને રમવાની તક મળી. તેમાંથી કૃષ્ણા સૌથી મોંઘા સાબિત થયા, આથી તેના સ્થાને અવેશ ખાનને તક મળવાની આશા છે. મુકેશ કુમારે પોતાની બોલિંગથી ઘણો પ્રભાવિત કર્યો હતો, તેથી તેને પડતો મૂકી શકાય તેમ નથી અને અર્શદીપ સિંહના રૂપમાં ટીમ ઈન્ડિયા પાસે એકમાત્ર ડાબોડી ફાસ્ટ બોલર છે, તેથી તેને બીજી મેચમાં પણ તક આપવામાં આવી શકે છે.