India vs Australia 3rd Test Day 2 Live Scorecard: બોર્ડર ગાવસ્કર ટ્રોફી (BGT) 2024-25 હેઠળ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે. ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ બ્રિસ્બેનના ગાબા ખાતે રમાઈ રહી છે. મેચના બીજા દિવસ (15 ડિસેમ્બર)ની રમત સમાપ્ત થઈ ગઈ છે. બીજા દિવસ રમતના અંતે ઓસ્ટ્રેલિયન ટીમે તેના પ્રથમ દાવમાં સાત વિકેટના નુકસાન પર 405 રન બનાવ્યા હતા. એલેક્સ કેરી 45 અને મિશેલ સ્ટાર્ક 7 રન બનાવીને અણનમ છે. ઓસ્ટ્રેલિયા તરફથી ટ્રેવિસ હેડ (152) અને સ્ટીવ સ્મિથે (101) સદીની ઇનિંગ્સ રમી હતી. જ્યારે ભારત તરફથી જસપ્રીત બુમરાહે અત્યાર સુધીમાં પાંચ વિકેટ ઝડપી છે.






આ પહેલા ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ગાબા મેદાન પર સાત ટેસ્ટ મેચ રમાઈ હતી. આ દરમિયાન ભારતીય ટીમ 5 મેચ હારી અને એક મેચ ડ્રો રહી હતી. ભારતીય ટીમને જાન્યુઆરી 2021માં ગાબા ખાતે તેની એકમાત્ર ટેસ્ટ જીત મળી હતી. ત્યારબાદ તેણે ઓસ્ટ્રેલિયાને ત્રણ વિકેટે હરાવ્યું હતું.


સ્મિથ અને ટ્રેવિસ હેડની સદી


આ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જો કે પ્રથમ દિવસે ભારે વરસાદ પડ્યો હતો. પ્રથમ દિવસે માત્ર 13.2 ઓવર રમાઈ હતી. 80 બોલની આ રમત દરમિયાન ઓસ્ટ્રેલિયન ઓપનરોએ સરળ બેટિંગ કરી અને 28 રન બનાવ્યા હતા. એટલે કે કાંગારુ ટીમને પહેલા દિવસે કોઈ નુકસાન થયું નહોતું.


બીજા દિવસની રમતમાં ભારતને જલદી સફળતા મળી હતી જ્યારે ઉસ્માન ખ્વાજાએ જસપ્રીત બુમરાહના બોલ પર વિકેટકીપર ઋષભ પંતને કેચ આઉટ કરાવ્યો હતો. ખ્વાજાએ ત્રણ ચોગ્ગાની મદદથી 21 રન બનાવ્યા હતા. ત્યારબાદ બુમરાહે બીજા ઓપનર નાથન મેકસ્વીની (9 રન)ને પણ આઉટ કર્યો હતો. મેકસ્વીની બીજી સ્લિપમાં વિરાટ કોહલીના હાથે કેચ આઉટ થયો હતો. આ પછી સ્ટીવ સ્મિથ અને માર્નસ લાબુશેન વચ્ચે ત્રીજી વિકેટ માટે 37 રનની ભાગીદારી થઈ હતી, જેને નીતિશ કુમાર રેડ્ડીએ તોડી હતી. નીતિશે બીજી સ્લિપમાં માર્નસ લાબુશેન (12)ને વિરાટ કોહલીના હાથે કેચ આઉટ કરાવ્યો હતો.


75 રનમાં ત્રણ વિકેટ પડી ગયા બાદ સ્ટીવ સ્મિથ અને ટ્રેવિસ હેડની જોડી ક્રિઝ પર સ્થિર થઈ હતી. બંને વચ્ચે ચોથી વિકેટ માટે 245 રનની ભાગીદારી થઈ હતી. આ દરમિયાન બંને બેટ્સમેનોએ પોતપોતાની સદી ફટકારી હતી. હેડે તેની ટેસ્ટ કારકિર્દીની 9મી અને ભારત સામે ત્રીજી સદી ફટકારી હતી. હેડે એડિલેડ ટેસ્ટમાં પણ સદી ફટકારી હતી. સ્મિથે તેની ટેસ્ટ કારકિર્દીની 33મી અને ભારત સામે 10મી સદી ફટકારી હતી.


જસપ્રીત બુમરાહે આ મોટી ભાગીદારીનો અંત લાવ્યો હતો. નવા બોલ પહેલા બુમરાહે સ્ટીવ સ્મિથને આઉટ કર્યો હતો. સ્મિથે 190 બોલમાં 101 રનની ઇનિંગ રમી જેમાં 12 ચોગ્ગા સામેલ હતા. ત્યારબાદ બુમરાહે મિશેલ માર્શ અને ટ્રેવિસ હેડને એક જ ઓવરમાં આઉટ કરીને પાંચ વિકેટ પૂર્ણ કરી હતી. માર્શ 5 રન બનાવીને વિરાટ કોહલીના હાથે કેચ આઉટ થયો હતો. જ્યારે ટ્રેવિસ હેડને વિકેટકીપર પંતના હાથે કેચ આઉટ થયો હતો. હેડે 160 બોલનો સામનો કરીને 152 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 18 ચોગ્ગા ફટકાર્યા હતા.


હેડના આઉટ થયા પછી પેટ કમિન્સ અને વિકેટકીપર બેટ્સમેન એલેક્સ કેરી વચ્ચે સાતમી વિકેટ માટે 58 રનની ભાગીદારી કરી હતી. મોહમ્મદ સિરાજ આ ભાગીદારીને તોડવામાં સફળ રહ્યો હતો. સિરાજે કમિન્સ (20 રન)ને વિકેટકીપર પંતના હાથે કેચ આઉટ કરાવ્યો હતો.