IND vs AUS 3rd Test: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ઈન્દોરમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ ત્રીજા દિવસે લંચ પહેલા જ પૂરી થઈ છે. ભારતે મેચ જીતવા આપેલા 76 રનના ટાર્ગેટના ઓસ્ટ્રેલિયાએ 1 વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો. આ સાથે ઓસ્ટ્રેલિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ માટે ક્વોલિફાય થઇ ગઇ છે. આ જીત સાથે ઓસ્ટ્રેલિયાએ શ્રેણીમાં વાપસી કરી લીધી છે. પ્રથમ બે ટેસ્ટ જીત્યા બાદ પણ ભારત 2-1થી આગળ છે. હવે બંને દેશો વચ્ચે ચોથી ટેસ્ટ 9 માર્ચથી અમદાવાદમાં રમાશે.
ભારતની હારના ત્રણ મુખ્ય કારણો
1 નબળી બેટિંગઃ પ્રથમ બે ટેસ્ટમાં ટોસ હારનારા ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ત્રીજી મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગનો ફેંસલો કર્યો. રોહિતનો આ ફેંસલો ખોટો સાબિત થયો હતો. સ્પિન લેતી વિકેટ પર ભારતીય ટીમ પ્રથમ દિવસે માત્ર 33.2 ઓવરમાં 109 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતનો કોઈપણ બેટ્સમેન 25 રન પણ બનાવી શક્યો નહોતો. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ઈનિંગમાં 197 રન બનાવી લીડ લીધી હતી. બીજી ઈનિંગમાં પુજારાને બાદ કરતાં કોઈપણ બેટ્સમેન લાંબુ ટકી શક્યા નહોતા અને ટીમ ઈન્ડિયા 60.3 ઓવરમાં 163 રનમાં ઓલઆઉટ થઈ હતી. ભારતના ટોપ ઓર્ડર અને મિડલ ઓર્ડરમાંથી કોઈપણ બેટ્સમેન મોટો સ્કોર કરી શક્યા નહોતા. જે ભારતની હારનું કારણ બન્યું.
2 એકસ્ટ્રા રનઃ 109 રનમાં ઓલઆઉટ થયા બાદ ભારતીય ટીમે પ્રથમ ઈનિંગમાં 22 રન એકસ્ટ્રા આપ્યા હતા. જેમાં 5 નોબોલ હતા. જે પૈકી એક નોબલમાં લાબુશેન 0 રન પર હતો ત્યારે બોલ્ડ થયો હતો. આ બાદ તેણે 31 રનની ઈનિંગ રમી હતી.
3 સ્પિનર્સની નિષ્ફળતાઃ ઓસ્ટ્રેલિયાના સ્પિનર્સે ચુસ્ત લાઇન લેન્થ સાથે બોલિંગ કરી હતી. લાયને બંને ઈનિંગમાં મળી 11 વિકેટ લીધી હતી. જ્યારે કુહેમાને 6 અને મર્ફીએ 1 વિકેટ લીધી હતી. 20માંથી 18 વિકેટ સ્પિનર્સે લીધી હતી. જેની સામે ભારતના સ્પિનર્સ બંને ઈનિંગમાં મળી માત્ર 8 વિકેટ ઝડપી શક્યા હતા.
ત્રીજી ટેસ્ટ માટેની ભારતની પ્લેઇંગ ઇલેવન -
રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, શ્રેયસ ઐય્યર, શ્રીકર ભરત, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, ઉમેશ યાદવ, મોહમ્મદ સિરાજ
ઓસ્ટ્રેલિયાની પ્લેઇંગ ઇલેવન -
ઉસ્માન ખ્વાઝા, ટ્રેવિસ હેડ, માર્નસ લાબુશાને, સ્ટીવ સ્મિથ (કેપ્ટન), પીટર હેન્ડ્સ્કૉમ્બ, કેમરૂન ગ્રીન, એલેક્સ કેરી (વિકેટકીપર), મિશેલ સ્ટાર્ક, નાથન લિયૉન, ટૉડ મર્ફી, મેથ્યૂ કુહેનમેન.