ઓસ્ટ્રેલિયા સામેની બાકી રહેલી બે ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. પરંતુ ભારતની નવી ટેસ્ટ ટીમમાં કોઈ ખેલાડીને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો નથી. ઓપનિંગ બેટ્સમેન કેએલ રાહુલને વાઇસ કેપ્ટન પદેથી હટાવવામાં આવ્યો છે. કેએલ રાહુલ હવે ખેલાડી તરીકે ટીમમાં હશે. આવી સ્થિતિમાં તેની પ્લેઈંગ-11માં રહેવાની આશા પણ ઓછી થઈ ગઈ છે.


બોર્ડર-ગવાસ્કર ટ્રોફીમાં ટીમ ભારતીય ટીમ મજબૂત સ્થિતિમાં જોવા મળી રહી છે. ટીમ ઈન્ડિયાએ નાગપુર અને દિલ્હીમાં હાર આપી 2-0ની લીડ હાંસલ કરી દીધી છે. આવી સ્થિતિમાં હવે ઈન્દોર ટેસ્ટનો વારો છે, જ્યાં જીત નોંધાવીને ટીમ ઈન્ડિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પણ પોતાનું સ્થાન નિશ્ચિત કરી લેશે. ભારતીય ટીમ શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે પરંતુ તેમ છતાં ત્રીજી ટેસ્ટ મેચમાં પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરવામાં આવશે. ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહેલા કેએલ રાહુલને ત્રીજી ટેસ્ટમાં પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર રાખવામાં આવી શકે છે. મીડિયા અહેવાલ અનુસાર કેએલ રાહુલના સ્થાને પ્લેઇંગ ઇલેવનમાં શુભમન ગિલને સ્થાન આપવામાં આવી શકે છે. કેએલ રાહુલનું તાજેતરનું ફોર્મ ખૂબ જ ખરાબ ચાલી રહ્યું છે. તે તેની છેલ્લી 8 ઇનિંગ્સમાં એક પણ અડધી સદી રમી શક્યો નથી.


જો તાજેતરનું પ્રદર્શન જોવામાં આવે તો ટીમ ઇન્ડિયાના વાઇસ કેપ્ટન તરીકે ત્રણ ખેલાડીઓના નામ ટોચ પર છે. જેમાં રવિન્દ્ર જાડેજા, આર અશ્વિન અને ચેતેશ્વર પૂજારાનો સમાવેશ થાય છે. કારણ કે આ ત્રણેય ખેલાડીઓ પણ સિનિયર છે. તેમની પાસે અનુભવ પણ છે. આવી સ્થિતિમાં તેમને આ જવાબદારી સોંપવામાં આવી શકે છે. જોકે વાઇસ કેપ્ટન તરીકે ચેતેશ્વર પૂજારા પ્રબળ દાવેદાર છે.


 ચેતેશ્વર પૂજારા


ગયા વર્ષે બાંગ્લાદેશના પ્રવાસ પર જ્યારે રોહિત શર્મા ઈજાના કારણે ટેસ્ટ રમી શક્યો ન હતો ત્યારે રાહુલે કેપ્ટનશિપ કરી હતી. તે સમયે ચેતેશ્વર પૂજારા વાઇસ કેપ્ટન હતો. જોકે 100 ટેસ્ટ રમી ચુકેલા પૂજારાએ ક્યારેય ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરી નથી. તેને કેટલીક મેચમાં જ વાઇસ કેપ્ટનની તક મળી છે. પરંતુ તેની પાસે આ જવાબદારી ઉઠાવવાનો અનુભવ છે. આ કારણથી પૂજારાને આ તક મળી શકે છે.


અશ્વિન


સ્પિન ઓલરાઉન્ડર રવિચંદ્રન અશ્વિનની ગણના શ્રેષ્ઠ સ્પિનર્સમાં થાય છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ અશ્વિનનો રોલ ઘણો મોટો છે. તેના નામે ટેસ્ટમાં 450થી વધુ વિકેટ છે અને સાથે જ 5 સદી પણ છે. તેની પાસે આઈપીએલમાં કેપ્ટનશીપનો અનુભવ પણ છે. અશ્વિન 13 વર્ષથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પણ રમી રહ્યો છે. આ કારણથી તેને આ જવાબદારી મળી શકે છે.


રવિન્દ્ર જાડેજા


ઈજા બાદ રવિન્દ્ર જાડેજાએ શાનદાર વાપસી કરી છે. એમાં કોઈ શંકા નથી કે જાડેજા હાલમાં એવા ભારતીય ખેલાડીઓમાંથી એક છે જેના વિના ત્રણેય ફોર્મેટમાં ભારતીય ટીમની કલ્પના પણ કરી શકાતી નથી. ચાલુ શ્રેણીમાં જાડેજા અત્યાર સુધી 17 વિકેટ સાથે બંને ટીમમાં નંબર વન બોલર રહ્યો છે તો તેણે 2 ઇનિંગ્સમાં 70ના શ્રેષ્ઠ સ્કોર સાથે 48.00ની એવરેજથી બેટિંગમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું છે.