India's Predicted Playing XI: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહેલી વનડે સીરીઝની ત્રીજી અને અંતિમ વનડે મેચ આગામી 27 સપ્ટેમ્બરે રાજકોટમાં રમાશે. ટીમ ઇન્ડિયા આ સીરીઝની શરૂઆતી બન્ને વનડે મેચો જીતીને સીરીઝ પર કબજો જમાવી ચૂકી છે. હવે ત્રીજી વનડેમાં ભારત પોતાની પ્લેઇંગ ઇલેવનમાં મોટો ફેરફાર કરવાના મૂડમાં છે. ભારતીય ઓપનર શુભમન ગીલ અને ફાસ્ટ બૉલર શાર્દૂલ ઠાકુર ત્રીજી વનડેમાંથી બહાર થઇ શકે છે, એટલું જ નહીં ત્રીજી વનડેમાં ભારતની આખી અડધી ટીમ બદલાઇ જશે.  


‘ઇન્ડિયન એક્સપ્રેસ’ની રિપોર્ટ અનુસાર, ટીમ મેનેજમેન્ટે શુભમન ગીલ અને શાર્દૂલ ઠાકુરને રેસ્ટ આપવાનો વિચાર કર્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ગીલ અને શાર્દૂલ ત્રીજી વનડે માટે ટીમ સાથે રાજકોટ નહીં જાય, પરંતુ બંને ગોવાહાટીમાં ટીમ સાથે જોડાશે. વર્લ્ડકપ પહેલા રમાનારી વૉર્મ-અપ મેચમાં ભારત પોતાની પ્રથમ મેચ ઇંગ્લેન્ડ સામે ગોવાહાટીમાં રમશે. જો કે ટીમ વર્લ્ડકપમાં પોતાની પ્રથમ લીગ મેચ ઓસ્ટ્રેલિયા સામે ચેન્નાઈમાં રમશે.


બીજી વનડેમાં ગીલે ફટકારી હતી શાનદાર ફિફ્ટી - 
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી વનડે ઈન્દોરના હોલ્કર ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી, જેમાં ગીલે શાનદાર અડધી સદી ફટકારી હતી. ગીલે 97 બોલમાં 6 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 104 રનની ઇનિંગ રમી હતી. ગીલની વનડે કારકિર્દીની આ છઠ્ઠી અને ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ સદી હતી.


આવા થઇ શકે છે સંભવિત ફેરફાર - 
મુખ્ય ઝડપી બૉલર જસપ્રીત બુમરાહ, જે બીજી વનડેમાં રમ્યો ન હતો, તે ત્રીજી મેચમાં વાપસી કરશે. શાર્દુલની જગ્યાએ બુમરાહને રમાડવામાં આવી શકે છે. આ ઉપરાંત નિયમિત કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા અને કુલદીપ યાદવ ત્રીજી વનડેમાં ભારતીય ટીમમાં વાપસી કરશે. આવી સ્થિતિમાં ટીમમાં કેટલાય ફેરફાર જોવા મળી શકે છે. કેપ્ટન રોહિત શર્મા ગીલની ભરપાઈ કરશે. ગીલના સ્થાને કેપ્ટન ઓપનિંગમાં હશે તે નક્કી છે.


ત્રીજી વનડે માટે ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન - 
રોહિત શર્મા (કેપ્ટન), ઇશાન કિશન, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી.