World Test Championship: ભારત અને ઓસ્ટ્રેલિયા (IND vs AUS) વચ્ચે ચાર મેચની ટેસ્ટ શ્રેણી 9 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે. પ્રથમ ટેસ્ટ નાગપુરમાં રમાશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2021-23ની ફાઇનલમાં પહોંચવાની દ્રષ્ટિએ આ ખૂબ જ મહત્વપૂર્ણ સીરિઝ છે. આ સીરિઝનું પરિણામ મોટાભાગે WTC ફાઇનલિસ્ટ ટીમો નક્કી કરશે. આ શ્રેણીની સાથે WTC હેઠળ વધુ બે ટેસ્ટ શ્રેણી રમવાની બાકી છે. આ બે શ્રેણીના પરિણામો પણ WTC ફાઈનલના દાવેદારોને નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.






અત્યારે WTC પોઈન્ટ ટેબલમાં ઓસ્ટ્રેલિયા પ્રથમ સ્થાન પર છે અને ભારતીય ટીમ બીજા સ્થાન પર છે. જો ઓસ્ટ્રેલિયાની ટીમ ભારત સામેની 4 મેચની ટેસ્ટ શ્રેણીમાં 0-3થી હારી જાય તો પણ તે ફાઇનલમાં પહોંચશે. જોકે, 0-4થી મળેલી હારમાં તેણે અન્ય બે ટેસ્ટ શ્રેણીના પરિણામો પર નિર્ભર રહેવું પડશે. ઓસ્ટ્રેલિયા માટે ક્લીન સ્વીપ કરવું ઘણું મુશ્કેલ છે. આવી સ્થિતિમાં તે WTC ફાઈનલ રમશે તે લગભગ નિશ્ચિત છે.






બીજી તરફ જો ભારતીય ટીમ આ સીરિઝ 3-1થી જીતશે તો તે ફાઇનલમાં પણ પહોંચી જશે. જો ભારતીય ટીમનું પ્રદર્શન આનાથી થોડું ઓછું હોય અથવા તે ટેસ્ટ શ્રેણી હારી જાય તો પણ તેની પાસે WTC ફાઇનલમાં પહોંચવાની તકો રહેશે. પરંતુ આ માટે તેણે અન્ય બે શ્રેણીના પરિણામો પર નિર્ભર રહેવું પડશે.


જો ભારતીય ટીમ હારશે તો WTC ફાઈનલમાં કેવી રીતે પહોંચશે?


જો ભારતીય ટીમ એકતરફી શ્રેણી ન હારે એટલે કે તેની નજીકની હાર હોય તો તેની પાસે WTC ફાઇનલમાં પહોંચવાની તકો રહેલી છે. આ માટે સૌથી પહેલા ભારતે આશા રાખવી પડશે કે શ્રીલંકા અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની બે મેચની ટેસ્ટ સીરીઝ ન્યૂઝીલેન્ડ જીતે, જો ન્યૂઝીલેન્ડ આ સીરીઝ 2-0 થી જીતે તો ભારત માટે વધુ સારું રહેશે. ત્યારે ભારતે પણ પ્રાર્થના કરવી પડશે કે દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની બે મેચની ટેસ્ટ શ્રેણીમાં દક્ષિણ આફ્રિકા હારી જાય.