IND vs AUS: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે નાગપુરમાં રમાઈ રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટ મેચના ત્રીજા દિવસના પ્રથમ સત્રમાં ભારતીય ટીમનો પ્રથમ દાવ 400 રનમાં સમેટાઈ ગયો હતો. ઓસ્ટ્રેલિયન ટીમના પ્રથમ દાવના સ્કોર સામે ભારતે 223 રનની લીડ લઈને મેચમાં પોતાની પકડ મજબૂત કરી લીધી છે.
ત્રીજા દિવસની રમત શરૂ થઈ ત્યારે ભારતીય ટીમનો સ્કોર 7 વિકેટના નુકસાન પર 321 રન હતો. આ પછી ઓસ્ટ્રેલિયાના ઓફ સ્પિનર ટોડ મર્ફીએ રવિન્દ્ર જાડેજાના રૂપમાં પોતાની ટીમને દિવસની પ્રથમ સફળતા અપાવી હતી. જાડેજાએ 70 રન બનાવ્યા હતા.
આ પછી અક્ષર પટેલ અને મોહમ્મદ શમી વચ્ચે 9મી વિકેટ માટે 52 રનની શાનદાર ભાગીદારી થઈ હતી. મોહમ્મદ શમીએ માત્ર 47 બોલનો સામનો કરીને 37 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેના બેટમાંથી 2 ચોગ્ગા અને 3 છગ્ગા પણ જોવા મળ્યા હતા. તેની ઇનિંગ્સના કારણે ભારતીય ટીમે પ્રથમ ઇનિંગ્સના આધારે 200થી વધુની લીડ મેળવી લીધી હતી.
આ પછી ભારતીય ટીમનો પ્રથમ દાવ 400 રનમાં સમેટાઈ ગયો હતો, જેમાં અક્ષર પટેલે શાનદાર 84 રન બનાવ્યા હતા. જ્યારે કાંગારૂ ટીમ માટે ટોડ મર્ફીએ આ ઇનિંગમાં 7 વિકેટ, નાથન લિયોને 1 વિકેટ અને કેપ્ટન પેટ કમિન્સે 2 વિકેટ લીધી હતી.
બીજા દિવસની રમતમાં કેપ્ટન રોહિત શર્માએ શાનદાર સદી ફટકારી હતી
નાગપુર ટેસ્ટ મેચના બીજા દિવસની રમતની વાત કરીએ તો ભારતીય કેપ્ટન રોહિત શર્માની શાનદાર સદીના કારણે તે દિવસ ટીમ ઈન્ડિયાના નામે રહ્યો. એક સમયે ટીમ ઈન્ડિયાએ 168ના સ્કોર સુધી પોતાની 5 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી કેપ્ટન રોહિત શર્માએ રવિન્દ્ર જાડેજા સાથે મળીને ટીમની ઇનિંગ્સને ન માત્ર સંભાળવાનું કામ કર્યું પરંતુ સ્કોરને 200ની પાર પણ પહોંચાડ્યો. રોહિત શર્માએ 212 બોલનો સામનો કરીને 120 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ પછી જાડેજાએ અક્ષર સાથે મળીને 8મી વિકેટ માટે 88 રનની મહત્વની ભાગીદારી કરીને ટીમના પ્રથમ દાવના આધારે 150 રનની લીડ મેળવી હતી.
રોહિત શર્માએ સચિનના આ રેકોર્ડની બરાબરી કરી
બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ મેચમાં જ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ સદી ફટકારી હતી. તેણે પ્રથમ ઇનિંગમાં 15 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 120 રન બનાવ્યા હતા. રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયા સામે રમતા ઓપનર તરીકે પોતાની 9મી સદી ફટકારી છે. આ સદી સાથે તેણે પૂર્વ ભારતીય દિગ્ગજ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરની બરાબરી કરી લીધી છે.
સચિન તેંડુલકરે પણ ઓસ્ટ્રેલિયા સામે ઓપનર તરીકે રમતા તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં કુલ 9 સદી ફટકારી હતી. હવે રોહિત શર્મા તેના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. હિટમેન આ ટ્રોફીમાં બીજી સદી ફટકારીને માસ્ટર બ્લાસ્ટરનો રેકોર્ડ સરળતાથી તોડી શકે છે.
સુનીલ ગાવસ્કરને પાછળ છોડી દિધો
ભૂતપૂર્વ ભારતીય દિગ્ગજ સુનીલ ગાવસ્કરે ઓસ્ટ્રેલિયા સામે ઓપનર તરીકે રમતા પોતાની કારકિર્દીમાં કુલ 8 સદી ફટકારી છે. હવે રોહિત શર્માએ ગાવસ્કરનો આ રેકોર્ડ તોડી નાખ્યો છે. નાગુપરમાં રમાઈ રહેલી ટેસ્ટ મેચના પહેલા જ દિવસે રોહિત શર્માએ પોતાની અડધી સદી પૂરી કરી હતી. તે પહેલા દિવસના અંત સુધી 56 રન બનાવીને અણનમ રહ્યો હતો અને બીજા દિવસે તેણે પોતાની સદી પૂરી કરી હતી.
રોહિત શર્મા - 9 સદી.
સચિન તેંડુલકર - 9 સદી.
સુનીલ ગાવસ્કર - 8 સદી
ત્રણેય ફોર્મેટમાં કેપ્ટન તરીકે સદી ફટકારનાર પ્રથમ ભારતીય બન્યો
આ સદી સાથે રોહિત શર્મા કેપ્ટન તરીકે ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય ખેલાડી બની ગયો છે. રોહિત શર્મા નાગપુરમાં કેપ્ટન તરીકે પોતાની કારકિર્દીની ત્રીજી ટેસ્ટ મેચ રમી રહ્યો છે. અગાઉ, તેણે બે ટેસ્ટમાં 30ની એવરેજથી કુલ 90 રન બનાવ્યા હતા, જેમાં 46 તેનો ઉચ્ચ સ્કોર હતો. વિશ્વ ક્રિકેટમાં માત્ર ચાર ખેલાડીઓ જ આવું કરી શક્યા છે. રોહિત પહેલા બાબર આઝમ, દિલશાન અને ફાફ ડુ પ્લેસિસ આ જ રીતે સદી ફટકારી ચૂક્યા છે.