Shortest Completed Test in India: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ઈન્દોરમાં રમાયેલી ટેસ્ટ મેચ અઢી દિવસ પણ ચાલી શકી ન હતી. આ મેચમાં માત્ર 1135 બોલ ફેંકાયા હતા. ભારતમાં અત્યાર સુધી રમાયેલી 283 ટેસ્ટ મેચોમાં તે ચોથી સૌથી ઓછા બોલની મેચ હતી. આ મેચ આટલા ઓછા બોલ સુધી મર્યાદિત રહેવાનું સૌથી મોટું કારણ અહીંની પીચ હતી, જેના પર બેટિંગ કરવી બિલકુલ સરળ નહોતી. ઉછાળો અને ટર્નને કારણે અહીં કોઈ ટીમ 200ના આંકડાને સ્પર્શી શકી નથી.
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2023ની આ ત્રીજી મેચમાં ભારતીય ટીમ પ્રથમ દાવમાં માત્ર 33.2 ઓવર જ રમી શકી હતી. ટીમ ઈન્ડિયા પહેલા દિવસના બીજા સેશનમાં 109 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ પછી ઓસ્ટ્રેલિયાએ તેની પ્રથમ ઇનિંગમાં 76.3 ઓવર રમીને 197 રન બનાવ્યા હતા. મેચના બીજા દિવસે ટીમ ઈન્ડિયાનો બીજો દાવ પણ સમાપ્ત થઈ ગયો. બીજી ઇનિંગમાં ભારતીય ટીમે 60.3 ઓવરમાં 163 રન બનાવ્યા હતા.
આ રીતે ઈન્દોર ટેસ્ટના પહેલા બે દિવસમાં 30 વિકેટો પડી ગઈ હતી. મેચના ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયાને જીતવા માટે માત્ર 76 રન બનાવવાના હતા જે તેણે 18.5 ઓવરમાં બનાવી લીધા હતા. ઓસ્ટ્રેલિયાએ આ મેચ 9 વિકેટે જીતી લીધી હતી.
આ ત્રણ ટેસ્ટ છે જેમાં સૌથી ઓછા બોલ છે
ભારતમાં સૌથી ઓછા બોલ સાથેની ટેસ્ટ મેચ વર્ષ 2021માં અમદાવાદમાં રમાઈ હતી. ઈંગ્લેન્ડ સામેની ભારતની આ મેચમાં માત્ર 842 બોલમાં પરિણામ આવ્યું હતું. અહીં નંબર 2 પર વર્ષ 2019માં રમાયેલી ભારત-બાંગ્લાદેશ ટેસ્ટ છે. આ ટેસ્ટમાં 968 બોલ ફેંકવામાં આવ્યા હતા. વર્ષ 2018માં રમાયેલી ભારત-અફઘાનિસ્તાન ટેસ્ટ આ મામલે ત્રીજા નંબર પર છે. અહીં પરિણામ 1028 બોલમાં આવ્યું હતું.
ભારતની હારના ત્રણ મુખ્ય કારણો
1 નબળી બેટિંગઃ પ્રથમ બે ટેસ્ટમાં ટોસ હારનારા ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ત્રીજી મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગનો ફેંસલો કર્યો. રોહિતનો આ ફેંસલો ખોટો સાબિત થયો હતો. સ્પિન લેતી વિકેટ પર ભારતીય ટીમ પ્રથમ દિવસે માત્ર 33.2 ઓવરમાં 109 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતનો કોઈપણ બેટ્સમેન 25 રન પણ બનાવી શક્યો નહોતો. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ઈનિંગમાં 197 રન બનાવી લીડ લીધી હતી. બીજી ઈનિંગમાં પુજારાને બાદ કરતાં કોઈપણ બેટ્સમેન લાંબુ ટકી શક્યા નહોતા અને ટીમ ઈન્ડિયા 60.3 ઓવરમાં 163 રનમાં ઓલઆઉટ થઈ હતી. ભારતના ટોપ ઓર્ડર અને મિડલ ઓર્ડરમાંથી કોઈપણ બેટ્સમેન મોટો સ્કોર કરી શક્યા નહોતા. જે ભારતની હારનું કારણ બન્યું.
2 એકસ્ટ્રા રનઃ 109 રનમાં ઓલઆઉટ થયા બાદ ભારતીય ટીમે પ્રથમ ઈનિંગમાં 22 રન એકસ્ટ્રા આપ્યા હતા. જેમાં 5 નોબોલ હતા. જે પૈકી એક નોબલમાં લાબુશેન 0 રન પર હતો ત્યારે બોલ્ડ થયો હતો. આ બાદ તેણે 31 રનની ઈનિંગ રમી હતી.
3 સ્પિનર્સની નિષ્ફળતાઃ ઓસ્ટ્રેલિયાના સ્પિનર્સે ચુસ્ત લાઇન લેન્થ સાથે બોલિંગ કરી હતી. લાયને બંને ઈનિંગમાં મળી 11 વિકેટ લીધી હતી. જ્યારે કુહેમાને 6 અને મર્ફીએ 1 વિકેટ લીધી હતી. 20માંથી 18 વિકેટ સ્પિનર્સે લીધી હતી. જેની સામે ભારતના સ્પિનર્સ બંને ઈનિંગમાં મળી માત્ર 8 વિકેટ ઝડપી શક્યા હતા.