India vs Australia 1st Test: ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટ અગાઉ કહ્યું હતું કે તે ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝમાં પિચ અનુસાર ટીમની પસંદગી કરશે. જ્યારે રોહિતને પૂછવામાં આવ્યું હતું કે સૂર્યકુમાર યાદવ અને શુભમન ગિલ વચ્ચે તે કોની પસંદગી કરશે. જેના જવાબમાં રોહિતે કહ્યું કે, આવતીકાલે સવારે નવ વાગ્યે ટોસના સમયે તમામ જાણકારી મળી જશે.
શુભમન શાનદાર ફોર્મમાં છે જ્યારે સૂર્યકુમાર યાદવ પાસે નાથન લિયોન જેવા અનુભવી બોલરો સામે રમવાની ક્ષમતા છે અને ભારતીય કેપ્ટને સ્પષ્ટ કર્યું હતુ કે પ્લેઈંગ ઈલેવનની પસંદગી કરતી વખતે પિચનું ધ્યાન રાખવામાં આવશે. સાથે સાથે ખેલાડીની કુશળતાને પણ ધ્યાન રાખવામાં આવશે. રોહિતે કહ્યું હતુ કે આ એક અઘરો નિર્ણય હશે. અમે જાણીએ છીએ કે ઘણા ખેલાડીઓ સારા ફોર્મમાં છે, તે ટીમ માટે સારો સંકેત છે.
તેણે કહ્યું, “પસંદગી એક મુદ્દો છે અને તે દર્શાવે છે કે ઘણા ખેલાડીઓ સારૂ પ્રદર્શન કરી રહ્યા છે. ટીમના દૃષ્ટિકોણથી તે ખૂબ જ મહત્વપૂર્ણ છે, અમારે માત્ર દરેક પિચને જોવી પડશે અને શ્રેષ્ઠ પ્લેઇંગ ઇલેવન પસંદ કરવી પડશે. અમે ભૂતકાળમાં પણ આવું કરતા આવ્યા છીએ અને ભવિષ્યમાં પણ આવું જ કરીશું.’ ભારતીય કેપ્ટને કહ્યું, ‘ખેલાડીઓ માટે સંદેશ સ્પષ્ટ છે. અમે પિચના આધારે ખેલાડીઓને ટીમમાં સામેલ કરવા માટે તૈયાર છીએ. પિચ ગમે તે હોય અમને જે પણ જરૂર પડશે અમે તેને ટીમમાં સામેલ કરીશું. આ એક સામાન્ય બાબત છે.
સૂર્યકુમાર અને શુભમન વચ્ચે કોની પસંદગી કરાશે જેના પર રોહિતે કહ્યું કે તેઓ અમને અલગ-અલગ વિકલ્પો આપે છે. ગિલ છેલ્લા ત્રણ ચાર મહિનાથી ખૂબ જ સારા ફોર્મમાં છે. ઘણી સદીઓ પણ ફટકારી છે. સૂર્યકુમારે બતાવ્યું છે કે તે T20માં શું ક્ષમતા ધરાવે છે અને તે ટેસ્ટ ક્રિકેટમાં પણ શું કરી શકે છે.
રોહિતે પંતના સ્થાને કોને ટીમમાં સામેલ કરાશે તે અંગે કોઇ ચોક્કસ જાણકારી આપી નહોતી. રોહિતે કહ્યું કે તમારે હિંમતભેર નિર્ણય લેવો પડશે. પંત જે રીતે બેટિંગ કરે છે તે અમારા માટે મહત્વપૂર્ણ છે. અમારી પાસે એવા ખેલાડીઓ છે જે મિડલ ઓર્ડરમાં કામ કરી શકે છે. અમારો ટોપ ઓર્ડર મજબૂત છે અને તમામ ખેલાડીઓ રન બનાવી રહ્યા છે.